રાજપીપળા નર્મદા જિલ્લાના સાગબારાના એવા કેટલાય અંતરિયાળ ગામો છે કે જ્યા આઝાદીના અમૃતકાળમાં રોડ રસ્તાઓ બાકી છે ત્યારે સાગબારાના ઉભારીયા, બોરડીફળી, ભોર આમલી, નાની દેવ રૂપણ, મોટી દેવરૂપણ ગામોને જોડતો રસ્તો આજદિન સુધી બન્યો નથી અને 2009માં આનંદીબેન પટેલના હસ્તે ખાતમુહૂર્ત થયું પણ એ કાગળ પર રહી ગયું હતું.
આજ રોડની ગ્રામજનોએ ફરી માંગ કરતા 2021માં અમિત શાહ, વિજય રૂપાણી અને નીતીન પટેલ તથા મનસુખ વસાવાના હસ્તે ફરી ખાતમુર્હુત કરાયું હતું. બે મુખ્યમંત્રીઓના હસ્તે ભૂમિપૂજન કરાયું હોવા છતાં આજદિન સુધી રસ્તો બની શકયો નથી. નાની દેવરૂપણ થી ઉભારીયા થઇને નીકળતી રસ્તો સાગબારા ફતેપુરા રોડ આજ દિન સુધી બનાવવામાં આવેલ નથી જેથી લોકસભાની ચૂંટણીમાં મતદાન નહિ કરવાનું ગ્રામજનો એ નક્કી કર્યું છે. નાની દેવરૂપણ ગામના સુરેશ વસાવા એ જણાવ્યું હતું કે અમારા આ ચારથી પાંચ ગામનો રસ્તો વર્ષોથી માગ છતાં બનતો નથી. અમારી જે રસ્તાની સરકારી દફતરે મંજુર થઇને એની ગ્રાન્ટ ફાળવણી થઈ ગયેલ છે. જેની અમો ખાત્રી પૂર્વક તપાસ કરી જેની અમોને જાણ છે. અને એ રસ્તાની ગ્રાન્ટ ચુકવણી જે તે કોન્ટ્રાકટરને કરી દેવામાં આવેલ છે. એ કોન્ટ્રાક્ટર ભાગી જતા આજ દિન સુધી આ રસ્તાનું કામ પુર્ણ થયેલ નથી. 2009 અને 2021ના વર્ષમાં ખાતમુહૂર્ત થયું છતાં હજુ સુધી રસ્તો પાકો બનાવવામાં આવેલ નથી.જો વર્ષ-2024 ની લોકસભા ચુંટણી પહેલા અમારો જાહેર રસ્તો ના બનાવે તો 5 ગામના લોકો કોઈ મતદાન કરીશુ નહી.


.png)