લોકસભાની ચૂંટણીને લઈએ ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયા છે. સુરતના માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ વાંકલ ગામે કાર્યકરો સાથે બેઠક યોજી કામે લાગી જવા આહવાન કર્યું હતું.
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામી ગયો છે. એકપછી એક રાજકીય પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ભાજપને હરાવવા માટે ગુજરાતમાં AAP અને કોંગ્રેસે તમામ સીટો પર ગઠબંધન કરી દીધું છે. ત્યારે 23 બારડોલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ આજરોજ માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. માંગરોળના વાંકલ ગામ ખાતે કાર્યકરો સાથે એક મહત્ત્વની બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ અને AAPના કાર્યકરો હાજર રહ્યા હતા. મતદાનના દિવસે વધુમાં વધુ લોકો કોંગ્રેસ તરફી મતદાન કરે તે માટે કાર્યકરોને કામે લાગી જવા આહવાન કરાયું હતું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.
આયોજિત કોંગ્રેસની બેઠકમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શાહબુદ્દીન મલેક, પ્રકાશ ભાઈ (રટોટી), AAP નેતા સ્નેહલ વસાવા સહિતના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા. માંગરોળ વિધાનસભામાં કોંગ્રેસને વધુમાં વધુ લીડ મળે તે કામગીરી હાથ ધરશે તેવી 23 લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીને બાંહેધરી આપી હતી.


.png)