દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ગતરોજ ધરપકડ કરવામાં આવી હતી. આજે સમગ્ર દેશમાં આ મામલે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વરાછાની મિની બજાર ખાતે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને પગલે વિરોધ કરી રહેલા 20થી વધુ આપ અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી લેવામાં આવી હતી. આ સાથે વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરાઇ હતી.

રાજકોટના કિસાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ કર્યો. ટ્રાફિકથી વ્યસ્ત આ ચોક પર શરૂઆતમાં નારેબાજી બાદ રસ્તો રોકી દેવામાં આવતાં પોલીસે ટીંગાટોળી કરી 40થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. આ તરફ અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી છે.


.png)