પંજાબ-હરિયાણાના શંભુ અને ખનૌરી બોર્ડર પર 27 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ પંજાબ અને હરિયાણામાં ટ્રેનો રોકી છે. પંજાબમાં 22 જિલ્લામાં 52 જગ્યાએ ખેડૂતો પાટા પર બેસી ગયા છે. જ્યારે હરિયાણામાં સિરસા સહિત 3 જગ્યાએ રેલવે ટ્રેક બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ પ્રદર્શન બપોરે 12 થી 4 વાગ્યા સુધી ચાલશે.
ખેડૂતો પટિયાલાના શંભુ ગામમાં રેલવે ટ્રેક પર બેઠા હતા
પંજાબના પટિયાલા જિલ્લાના શંભુ ગામમાં ખેડૂતો રેલવે ટ્રેક પર બેસીને વિરોધ કર્યો હતો. કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવન સિંહ પંઢેરે ઉત્તર ભારતના 30 જિલ્લાઓમાં ટ્રેનો રોકવાની હાકલ કરી હતી.રેલવે વિભાગ મુજબ, ખેડૂતોએ અંબાલા ડિવિઝનમાં ટ્રેક બ્લોક કરવા માટે 21 જગ્યાઓ પસંદ કરી હતી. જેના કારણે ઘણી ટ્રેનોને અસર થશે. પોલીસે રેલ રોકો આંદોલનમાં ભાગ લેનારાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
અંબાલા પોલીસે ખેડૂત નેતાઓને નોટિસ ફટકારી
આ તરફ ખેડૂતોના રેલ રોકો આંદોલન પહેલા પોલીસે પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. આંદોલન અંગે નોંધાયેલા કેસમાં અંબાલા પોલીસે ઘણા ખેડૂત નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા અને કેસ મામલે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. જો તેઓ હાજર નહીં થાય તો કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
RPF અધિકારીઓએ કહ્યું- ટ્રેક જામ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
આરપીએફ, જીઆરપી અને ગુપ્તચર એજન્સીઓ ખેડૂતોના રેલ રોકો આંદોલન પર નજર રાખી રહી છે. ટ્રેનો અને સ્ટેશનો પર સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.આરપીએફના વરિષ્ઠ ડીએસસી નીતિશ શર્માએ કહ્યું કે આરપીએફ તરફથી સંપૂર્ણ વ્યવસ્થા છે. જ્યાં ખેડૂતો ટ્રેક પર બેસશે તે દરેક જગ્યાએ આરપીએફની ટીમો તહેનાત છે. જો ટ્રેક બ્લોક થશે તો ખેડૂતો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.ડીઆરએમ મનદીપ સિંહ ભાટિયાએ જણાવ્યું કે અંબાલા ડિવિઝનમાં 21 સ્થળોએ ખેડૂતો બેસશે. આ ડિવીઝનમાં દરરોજ 220 મેલ, એક્સપ્રેસ, 100 પેસેન્જર અને લગભગ 150 માલગાડી ચાલે છે.

.png)