પાંચ વખત સમન્સ પાઠવવામાં આવ્યા છતાં હાજર ન થયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ છઠ્ઠી વખત તેડું મોકલ્યું છે અને પૂછપરછ માટે હાજર થવા માટે જણાવ્યું છે.
એજન્સી પાસેથી જાણવા મળ્યા અનુસાર, કેજરીવાલને EDએ તેડું મોકલીને 19 ફેબ્રુઆરીએ હાજર થવા માટે જણાવ્યું છે. આ કાર્યવાહી દિલ્હી લિકર પોલિસી કેસમાં થઈ રહી છે, જેમાં રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંઘ જેલની હવા ખાઈ ચૂક્યા છે. હવે એજન્સી CM કેજરીવાલને તેડી રહી છે, પરંતુ તેઓ છેલ્લા ચાર મહિનાથી જાતજાતનાં બહાનાં કાઢીને હજાર થઈ રહ્યા નથી.
EDએ સમન્સ પર હાજર ન થવાને લઈને દાખલ કરેલી ફરિયાદ પર દિલ્હીની કોર્ટે 7 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરી અને કેજરીવાલને 17 ફેબ્રુઆરીના રોજ કોર્ટ સમક્ષ હાજર થવા માટે જણાવ્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ જણાય છે કે EDના સમન્સનો જવાબ આપવા માટે કેજરીવાલ કાયદાકીય રીતે બંધાયેલા છે. એડિશ્નલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ કહ્યું હતું કે, કેજરીવાલ તપાસ એજન્સી ED સામે હાજર થવામાં નિષ્ફળ રહ્યા છે અને તેમને IPCની કલમ 174 (જાહેર સેવાના કર્મચારીના આદેશનું ઉલ્લંઘન) હેઠળ સમન્સ પાઠવવામાં આવે છે.
17 તારીખે કોર્ટે હાજર થવા માટે જણાવ્યું છે તો બીજી તરફ હવે એજન્સી પણ તેમને હાજર થવા માટે કહી ચૂકી છે. હવે તેઓ છઠ્ઠી વખત પણ સમન્સ પર ધ્યાન નહીં આપે કે આ વખતે હાજર થશે એ તો 19મી તારીખે જ જાણવા મળશે.