દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલી જમીન પર AAPએ કાર્યાલય ઊભું કરી દીધું હોવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે (13 ફેબ્રુઆરી, 2024) કહ્યું કે, દિલ્હીના રાઉઝ એવન્યુ ખાતે આવેલું આમ આદમી પાર્ટીનું (AAP) રાજકીય કાર્યાલય કબજે કરેલી જમીન પર બનાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, જે જમીન પર આ રાજકીય કાર્યાલય બનાવી દેવામાં આવ્યું છે, તે જમીન દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવી છે. સાથે જ કોર્ટે આમ આદમી પાર્ટીને હાઈકોર્ટની જમીન પરત કરવા માટે પણ કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટની જમીન પર એક રાજકીય પક્ષનું કાર્યાલય ચાલી રહ્યું છે તે આશ્ચર્યજનક છે. સાથે કોર્ટે કહ્યું કે, આ જમીન દિલ્હી હાઈકોર્ટની છે અને તેને પરત કરવામાં આવે. કોર્ટે નિર્દેશ આપતાં કહ્યું કે, દિલ્હી સરકારના મુખ્ય સચિવ, PWD સચિવ અને નાણાં સચિવે આગામી તારીખ પહેલાં જ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ સાથે બેઠક યોજવી જોઈએ અને આ મામલાને તાત્કાલિક ધોરણે ઉકેલવો જોઈએ. AAPએ હાઈકોર્ટની જમીન પર બનાવેલું કાર્યાલય ખાલી કરી દેવું જોઈએ.