તાપી જિલ્લામાં ડોલવણ તાલુકાના અંતાપુર ગામેથી પસાર થતી પૂર્ણા નદીના પટમાં તાપી જિલ્લા ભુસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવતા નદીપટ વિસ્તારમાં એક યાત્રીક નાવડી દ્વારા- રેતી ખનીજનું ખાણકામ ચાલુમાં જોવા મળ્યું હતું તથા કિનારાના ભાગે રેતી ખનીજનો જથ્થો અને એક હિટાચી મશીન જોવા મળી આવ્યું હતું.
તપાસ કરતા ઉક્ત ખાણકામવાળો વિસ્તાર શ્રી રાજેશભાઈ શ્યામજીભાઇ ભીલના નામે અંતાપુર ગામ, તા.ડોલવણ ખાતે પૂર્ણા નદીપટમાં મંજુર થયેલ સાદી રેતી ખનીજનો લીઝ વિસ્તાર હોવાનું ધ્યાને આવ્યું હતું. આ તપાસ સમયે સ્થળે હાજર લીઝના પ્રતિનિધિશ્રી વિજયભાઇ લાલજીભાઇ કોટડીયા દ્વારા લીઝને લગતા દસ્તાવેજો બતાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ભુસ્તર શાસ્ત્રીની તપાસ ટીમ દ્વારા લીઝ વિસ્તારની ચકાસણી કરતા આ સ્થળે લીઝની વિગત દર્શાવતુ સાઇનબોર્ડ જોવા મળી આવ્યું હતું પરંતુ હદ દર્શાવતા સાઇનબોર્ડ જોવા મળ્યા ન હતા.આ સમગ્ર તપાસ દરમિયાન સ્થળે કોઈ ગેરરીતી ધ્યાને આવેલ નથી. લીઝધારકશ્રી દ્વારા હદ નિશાનો નિભાવેલ ન હોવાથી કરારખત શરત ભંગ બદલ તાપી જિલ્લા ભુસ્તર વિભાગ દ્વારા લીઝધારકને નોટિસ આપવામાં આવી હતી. જેથી લીઝધારક દ્વારા ગત તા.૦૭/૦૨/૨૪ ના રોજ રૂ.૧૦,૦૦૦/- દંડકીય રકમ ભરપાઇ કરવામાં આવી હતી.