આજે ક્રિકેટ જગતના વધુ એક દ્રોણાચાર્યનું અવસાન થયું છે. પોરબંદરના બેસ્ટ ક્રિકેટ કોચ રામભાઈ ઓડેદરાએ આજે ક્રિકેટ જગત અને આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના અવસાનથી સમગ્ર ક્રિકેટ જગતમાં શોકવ્યાપી ગયો છે. અનેક દિગ્ગજ ક્રિકેટરોએ રામભાઈ ઓડેદરાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
જીવન કવનઃ રામભાઈ દેવાભાઈ ઓડેદરા તા. 09/ 10/ 1947ના રોજ પોરબંદરમાં જનમ્યા હતા. પોરબંદરની ભાવસિંહજી સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કર્યા બાદ ભાવનગરમાં કોલેજ સુધી અભ્યાસ કર્યો હતો. ભાવનગરમાં જ ક્રિકેટની તાલીમ પણ લીધી હતી. તેમના ગુરુ જયરાજ સિંહ સરવૈયાએ રામભાઈને ક્રિકેટના માસ્ટર બનાવ્યા હતા. પોરબંદર દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકારની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સીનિયર કોચ તરીકે તેમણે નોકરી કરી હતી. આ નોકરી દરમિયાન તેઓએ અનેક ક્રિકેટરોને તૈયાર કર્યા છે. તેમના સમયમાં દિલીપ ક્રિકેટ સ્કૂલના જુનિયરથી લઈ સીનિયર ક્રિકેટરો આજે પણ તેમણે યાદ કરે છે. જેમાં સુરેશ કેશવાલા, ભાવિન રાડિયા, અનિલ ઠકરાર, રાજુ બદીયાણી, નિલેશ ઓડેદરા , જયેશ ઓડેદરા, જયેશ મોતીવરસ, રાજેશ જાડેજા અને પ્રશાંત જોશી રણજી ટ્રોફી સુધી પહોંચ્યા છે.