સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ગણાવી તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના CJI ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષમાં રહેલી બંધારણીય બેંચ દ્વારા કરવામાં આવી રહી હતી. સુપ્રીમ કોર્ટે માત્ર ઈલેક્ટોરલ બોન્ડને ગેરકાયદેસર ગણાવ્યા નથી, પરંતુ અત્યાર સુધીમાં કેટલા લોકોએ ચૂંટણી બોન્ડ ખરીદ્યા અને કઈ પાર્ટીઓને દાન આપવામાં આવ્યું છે તેની માહિતી પણ સાર્વજનિક કરવા પણ કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ માટે SBIને ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટ આ મામલે ચાર અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. CJI ડી.વાય. ચંદ્રચુડના નેતૃત્વમાં 05 ન્યાયાધીશોની બંધારણીય બેંચ ગયા વર્ષથી આ કેસની સુનાવણી કરી રહી હતી. આ બેંચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ હતા. કેન્દ્ર સરકારે 29 ઓક્ટોબર 2023ના રોજ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. સુપ્રીમ કોર્ટે 31 ઓક્ટોબર 2023થી 2 નવેમ્બર 2023 સુધી એમ ત્રણ દિવસ સુધી તમામ પક્ષકારોને સાંભળ્યા હતા, અને હવે ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, ચૂંટણી બોન્ડ યોજના પારદર્શિતાના અભાવ, દાતાઓની ગુમનામી અને રાજકીય પક્ષો પર ધનિક વ્યક્તિઓ અને કંપનીઓના પ્રભાવને કારણે લોકશાહી માટે ખતરો છે. કોર્ટે એમ પણ કહ્યું કે આ યોજના કાયદા હેઠળ સ્થાપિત વર્તમાન નિયમનકારી માળખાને નબળી પાડે છે. ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ એક વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. તેની તરફેણમાં અને વિરુદ્ધમાં દલીલો છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયની ભારતીય લોકશાહી પર શું અસર પડશે તે જોવાનું બાકી છે.
ચૂંટણી બોન્ડ કેવી રીતે કામ કરે છે?
વર્ષ 2017માં ફાઈનાન્સ બિલ દ્વારા ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારે તેનો અમલ 2 જાન્યુઆરી 2018ના રોજ કર્યો હતો. આનો ફાયદો ફક્ત તે જ પક્ષોને થાય છે જે લોકો પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 29A હેઠળ નોંધાયેલા છે. યોજનાનો લાભ લેવા રાજકીય પક્ષે લોકસભા અથવા વિધાનસભાની તાજેતરની ચૂંટણીઓમાં ઓછામાં ઓછા 1 ટકા વોટ મેળવેલાં હોવા જોઈએ, તો જ તેને ઈલેક્ટોરલ બોન્ડ મળી શકે છે.
ભારતીય સ્ટેટ બેંક (SBI) ની પસંદગીની શાખાઓમાંથી ₹1,000, ₹10000, ₹1 લાખ અને ₹1 કરોડના મૂલ્યોમાં ચૂંટણી બોન્ડ ખરીદી શકાય છે. SBIની 29 શાખાઓને ચૂંટણી બોન્ડ જારી કરવા અને રોકડ કરવા માટે અધિકૃત કરવામાં આવી હતી. આ શાખાઓ નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, ગાંધીનગર, ચંદીગઢ, પટના, રાંચી, ગુવાહાટી, ભોપાલ, જયપુર અને બેંગલુરુમાં છે. રાજકીય પક્ષોએ 15 દિવસની અંદર SBIમાં ઈલેક્ટોરલ બોન્ડને એનકેશ કરવાના રહે છે અને રકમની જાણ ચૂંટણી પંચને કરવી પડે છે. જોકે, તે તેના દાતાઓ વિશે કોઈ માહિતી રાખતા નથી.
સરકારે દાવો કર્યો હતો કે, આ યોજના રાજકીય પક્ષોને ભંડોળ એકત્ર કરવા અને કાળા નાણાંનો ઉપયોગ ઘટાડવાનો પારદર્શક માર્ગ પ્રદાન કરશે. તે રાજકીય પક્ષોને ભંડોળ ભેગું કરવાની પારદર્શક રીત પ્રદાન કરે છે. આ કાળા નાણાનો ઉપયોગ ઘટાડવામાં મદદ કરે છે. આ રાજકીય પક્ષોને વ્યક્તિઓ અને કંપનીઓથી વધુ સ્વતંત્રતા પ્રદાન કરે છે.
ઈલેક્ટોરલ બોન્ડ ખરીદીને કોઈપણ પક્ષને આપવાથી ‘બોન્ડ ખરીદનાર’ને કોઈ લાભ નહીં મળતો નથી, તેમજ આ પૈસાનું કોઈ વળતર પણ મળતું નથી. આ રકમ રાજકીય પક્ષોને આપવામાં આવેલા દાન જેવી છે, તેથી તેને કલમ 80GG અને 80GGB હેઠળ આવકવેરામાં છૂટ આપે છે. જોકે, ઈલેક્ટોરલ બોન્ડને લઈને ઘણી આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી.