નાણામંત્રી કનુ દેસાઈએ શુક્રવારે (2 ફેબ્રુઆરી, 2024) ગુજરાત રાજ્યનું ₹3 લાખ 32 હજાર 465 કરોડનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે અનેક અગત્યની જાહેરાતો પણ કરી અને નવી યોજનાઓ વિશે પણ જાણકારી આપી. આ સિવાય મહત્વની જાહેરાત કરતાં જણાવવામાં આવ્યું કે 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. તદુપરાંત, બજેટમાં સરકારે અનેક નવી યોજનાઓ પણ જાહેર કરી છે.
આ નગરપાલિકાઓમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ તમામ શહેરોમાં હાલ નગરપાલિકા છે, જેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આ નિર્ણયના કારણે આ શહેરોના વિકાસમાં તેજી આવશે.
નાણામંત્રીએ કહ્યું, “રાજ્યમાં શહેરીકરણનો દર વધી રહ્યો છે. અંદાજ મુજબ રાજ્યની 50 ટકા વસ્તી હાલ શહેરી વિસ્તારમાં રહે છે અને વર્ષ 2047 સુધીમાં આ ટકાવારી 75 ટકા સુધી પહોંચશે. શહેરી વિસ્તારો માત્ર રહેણાંક માટે જ સુવિધાજનક નથી પરંતુ આર્થિક વિકાસનાં કેન્દ્રો પણ બની રહ્યાં છે. સરકાર આ શહેરોના વિકાસ દ્રારા ઇઝ ઑફ લિવિંગમાં વધારો કરવા માટે દ્રઢ છે. સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે આ 7 નગરપાલિકાઓને મનપાનો દરજ્જો આપવામાં આવશે. આ નિર્ણયથી શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી પણ વધશે.
‘નમો શ્રી યોજના’
નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન નમો શ્રી યોજનાની પણ જાહેરાત કરી. આ યોજના સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધુ સુદૃઢ કરીને તેમને સક્ષમ બનાવવા માટે લાવવામાં આવી છે. જે હેઠળ SC, ST, NFSA, PM-JAY સહિતનાં 11 માપદંડોમાં આવતી સગર્ભા મહિલાઓને ₹12 હજારની સહાય કરવામા આવશે. આ યોજનાથી પોષણ સાથે માતા અને નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે, જે માટે સરકારે ₹750 કરોડની જોગવાઈ કરી છે.
‘નમો સરસ્વતી યોજના’
વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકારે ‘નમો સરસ્વતી યોજના’ની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં ₹10 હજાર અને ધોરણ 12માં ₹15 હજાર મળીને કુલ ₹25 હજારની સહાય કરવામાં આવશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધીને 5 લાખ થવાની ધારણા છે. જે માટે આગામી વર્ષે અંદાજે ₹400 કરોડનો ખર્ચ થશે.
‘જનરક્ષક યોજના’
નાણામંત્રીએ જાહેરાત કરતાં કહ્યું કે, એક જ નંબર 112 પર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ‘જનરક્ષક યોજના’ની જાહેરાત કરવામાં આવે છે. આ માટે સંપૂર્ણ રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે.



.png)