બજેટ પર પહેલા દિવસે શાસક અને વિપક્ષના 61 કોર્પોરેટરોએ ચર્ચા કર્યા બાદ આજે બીજા દિવસે બજેટની ચર્ચા સવારે શરુ થઈ હતી. આજે ચર્ચા દરમિયાન શાસક પક્ષના સભ્યોએ વિપક્ષ પર કટાક્ષ કરતાં કેટલીક વખત હોબાળો થયો હતો. વિપક્ષ અને શાસક પક્ષના કોર્પોરેટરો વચ્ચે અનેક વખત ચકમક ઝરી હતી. ગઈકાલે વિપક્ષે વેફરના પેકેટ માં હવા જેવું બજેટ છે તેવી વાત કરી હતી. તો શાસકોએ 2021માં જે હવાથી વિપક્ષ આવ્યો છે તે હવા અડધી નીકળી ગઈ છે અને 2025 મા બધી હવા નિકળી જશે તેવો કટાક્ષ કરતાં ભારે હોબાળો થયો હતો.
દિનેશ રાજપુરોહિતે બજેટની ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે નંબર વન સુરત નંબર વન તરીકે ટકી રહે તે માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. સુરત પાલિકાનું બજેટ ગત વર્ષના બજેટ કરતા એક હજાર કરોડ વધારે છે તેમાં પણ એક પણ રૂપિયાનો નવો વેરો નાખ્યા વિના બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પહેલા પીપીપી મોડલ ની વાત કરવામા આવી હતી તેમાં પીપીપી મોડલ માં વિયર કમ કોઝવે બન્યો હતો, ડુમસ આઈકોનિક રોડ પીપીપી ધોરણે બન્યો હતો આમ સુરત પાલિકા પીપીપી મોડલ માં કોઈ છેતરપિંડી કરતું નથી તેનું આ ઉદાહરણ છે.
સુરત પાલિકા ગુણવત્તા સભર શિક્ષણ આપી રહી છે તેથી આવતા વર્ષે સમિતિની શાળામાં બે લાખ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા થશે તે નક્કી છે. સુરત પાલિકા ગુણવત્તાસભર શિક્ષણ આપે છે તેનું ઉદાહરણ છે કે પાલિકા સંચાલિત સુમન સ્કુલનું પરિણામ ખાનગી સ્કૂલ કરતાં વધુ સારું આવ્યું છે અને સુરતમાં ટોપ ટેનમાં વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
ભાજપના વ્રજેશ ઉનડકટે બજેટની ચર્ચા દરમિયાન કહ્યું હતું, સુરત પાલિકાએ વિકાસને શબ્દ પૂરતો નથી પરંતુ રાજ્ય સાથે દેશ વિદેશ ને તેની અનુભૂતિ કરાવી છે. 1995માં ગંદા સુરત તરીકે ઓળખાતું હતું તે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાત ભાષામાં સ્કુલ ચલાવે છે અને પાલિકા વિદ્યાર્થીને સ્કુલ કીટ નોટબુક સહિત આપવામાં આવી છે તે ઘણી સારી વાત છે. આ બજેટને હવા ભરેલું બજેટ ગણે છે પરંતુ 2021 માં હવા ભરાઈને આવ્યા હતા તે હવે હાલ અડધી થઈ છે અને 2025માં તો હવા નિકળી જશે તેના કારણે આ વખતે બજેટમાં દિલ્હીના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. આ બજેટમાં બુલેટ ટ્રેન, મેટ્રો નવું વહિવટી ભવન, દિલ્હી મુંબઈ હાઈવે પણ બની રહ્યો છે.