અમદાવાદ સહિત રાજ્યભરમાં રાત્રે ઠંડી અને દિવસેગરમીથી હાલ તો મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ઉંચકાતા દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાનનો પારો સૌથી વધુ 36.9 ડિગ્રી સુધી પહોંચ્યો છે.
બીજી તરફ આજે સવારથી જ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ પણ છવાયું છે. પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં ધુમ્મસની ચાદર છવાઈ છે. તો રાજકોટ જિલ્લાના જેતપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધુમ્મસભર્યુ વાતાવરણ છવાયું છે. ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટતાવાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ઘઉં, ધાણા, જીરૂના પાકને પણ અસર થવાની ખેડૂતોને ભીતી સતાવી રહી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સોમવારે રાત્રે રાજધાની દિલ્હીમાં વરસાદે હવામાનનો મૂડ બદલી નાખ્યો હતો, જ્યારે ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં વીજળી ઠપ થઈ ગઈ હતી. પર્વતીય રાજ્યોમાં સ્થિતિ એવી છે કે હવામાન વિભાગે અહીં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.