ગણતંત્ર દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાત તરફથી ‘ધોરડો- ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ વિષય પર આધારિત ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર ગણાતા ગરબા નૃત્યને પણ રજુ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ગુજરાતનો ધોરડો ટેબ્લો પીપલ્સ ચોઈસમાં પ્રથમ ક્રમે આવ્યો છે. આ સાથે જ સતત બીજા વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાજ્ય તરફથી રજુ થયેલી ઝાંખીને પ્રથમ સ્થાન મળ્યું છે.
પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાત સતત બીજી વાર પ્રથમ રહ્યું છે. ‘MyGov Platform’ દ્વારા સર્વશ્રેષ્ઠ ટેબ્લોની પસંદગી માટે દેશની જનતા પાસેથી ઓનલાઈન વોટ માંગવામાં આવ્યા હતા. આ વોટિંગમાં પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં સૌથી વધુ એટલે કે 32% વોટ શેર સાથે ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમે રહ્યો હતો. આ ઉપલબ્ધી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા
ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમે આવ્યો તેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “ગુજરાતના ટેબ્લૉને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ શ્રેણીમાં પ્રથમ સ્થાન મળ્યું છે તે આપણા સૌ માટે વિશેષ ગૌરવની વાત છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત નવી દિલ્હી, કર્તવ્યપથ ખાતે આયોજિત પરેડમાં પ્રદર્શિત થયેલ ગુજરાતના ટેબ્લૉને પીપલ્સ ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. તેવી જ રીતે જજીસ ચોઇસ કેટેગરીમાં પણ ગુજરાતના ટેબ્લૉએ દ્વિતીય સ્થાન હાંસલ કરીને રાજ્યને અનેરું ગૌરવ અપાવ્યું છે.”



.png)