કથિત જમીન કૌભાંડ : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ગમે તે સમયે ધરપકડ થઈ શકે છે

0
કથિત જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ગમે તે સમયે ધરપકડ થઈ શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ આજે બપોરે સોરેનના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં ઘણા કલાકોની પૂછપરછ દરમિયાન સોરેને યોગ્ય જવાબ આપ્યો ન હતો. હાલ રાંચીમાં મુખ્યમંત્રી નિવાસસ્થાનની બહાર ભારે સુરક્ષા દળ તહેનાત કરી દેવાયો છે. સોરેન સામેની કાર્યવાહી મુદ્દે જેએમએમના કાર્યકર્તાઓ પણ રોષે ભરાયા છે અને વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. ઈડીએ અત્યાર સુધીમાં હેમંતને 10 સમન્સ પાઠવ્યા હતા.





કલ્પના સોરેન મુખ્યમંત્રી બને તેવી અટકળો

આ અગાઉ સોરેન મંગળવારે દિલ્હીથી રોડ માર્ગે 1250 કિલોમીટરની યાત્રા કરી રાંચી પહોંચ્યા હતા. તેમણે 40 કલાકની યાત્રાથી આવી તુરંત ઝારખંડ મુક્તિ મોર્ચાના વરિષ્ઠ નેતાઓ અને સહયોગી ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી, જેમાં તેમની પત્ની કલ્પના સોરેન પણ ઉપસ્થિત હતી. બેઠકમાં ધારાસભ્યોએ સોરેન સરકાર પ્રતિ એકતા દર્શાવી છે અને નામ વગરના સમર્થન પત્ર પર હસ્તાક્ષર પણ કર્યા છે. છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી છે કે, સોરેનની ધરપકડ બાદ તેમની પત્ની કલ્પના સોરેનને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપાશે.


7000 પોલીસ જવાનો તૈનાત

આ અગાઉ મંગળવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને મુખ્ય સચિવ તેમજ રાજ્યના ડીજીપી અજય કુમારને રાજભવન બોલાવ્યા હતા. જે દરમિયાન સમગ્ર સ્થિતિની જાણકારી મેળવી હતી. ડીજીપીએ પીટીઆઇને કહ્યું હતું કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર ઝારખંડમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરક્ષા વધારવામાં આવી છે. વધારાના 7000 પોલીસ જવાનો તૈનાત કરાયા છે. રાંચીના કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધિત આદેશો જારી કરાયા છે. જેમાં મુખ્યમંત્રી આવાસ, રાજભવન અને ઇડીની ઓફિસનો પણ સમાવેશ થાય છે.

સોરેને રવિવારે ઇડીને ઇમેલ કર્યો હતો

હેમંત સોરેન 27મી જાન્યુઆરીની રાતથી ગાયબ હતા, તેઓ દિલ્હી જવા રવાના થઇ ગયા હતા જ્યારે બીજી તરફ ઇડી તેમને શોધી રહી હતી. જોકે તેઓ દિલ્હીના કાર્યક્રમો પડતા મુકીને ઝારખંડ પરત આવી ગયા હતા. સોરેને રવિવારે ઇડીને ઇમેલ કર્યો હતો અને કહ્યું હતું કે ઝારખંડ સરકારને અસર પહોંચાડવા માટે તમારી કાર્યવાહી રાજકીય એજન્ડાથી પ્રેરિત છે. સાથે જ તેઓ 31મીએ રાંચીમાં ઇડી સમક્ષ હાજર થઇને દરેક સવાલોનો જવાબ આપવા માટે તૈયાર છે તેવો દાવો પણ આ ઇમેલમાં કર્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top