- જ્યોતિપ્રિયા મલિક અગાઉ ફૂડ મંત્રી હતા મોડી રાતે પૂછપરછ બાદ મંત્રીની ધરપકડ કરાઈ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાશન કૌભાંડ કેસમાં ( Ration Scam) લાંબી પૂછપરછ બાદ ગુરુવારે મોડી રાત્રે પશ્ચિમ બંગાળના મંત્રી (West Bengal Minister ) જ્યોતિપ્રિયા મલિકની (Jyotripriya Mallik) ધરપકડ કરી હતી. કૌભાંડની તપાસના સંદર્ભમાં EDની ટીમ ગુરુવારે સવારે કોલકાતાના સોલ્ટ લેકમાં મલિકના ઘરે પહોંચી હતી. ત્યારપછી EDના અધિકારીઓએ જ્યોતિપ્રિયા મલિકની પૂછપરછ શરૂ કરી, જે મોડી રાત સુધી ચાલુ રહી હતી. બાદમાં EDએ તેમની કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી હતી.
મંત્રીએ કહ્યું - મને ષડયંત્રનો શિકાર બનાવ્યો
EDએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની રાશન વિતરણના ભ્રષ્ટાચારના કથિત કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ જ્યારે EDના અધિકારીઓ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) કર્મચારીઓની મદદથી મંત્રી મલિકને લઈ જઈ રહ્યા હતા, ત્યારે મીડિયાકર્મીઓ તેમની આસપાસ એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન મલિકે કહ્યું કે તેમને એક મોટા ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યો છે. જ્યોતિપ્રિયા મલિક હાલમાં રાજ્યમંત્રી તરીકે વન વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે. અગાઉ તેમની પાસે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો હતો.
એક દિવસ પહેલા EDએ પૂર્વ સહાયકના ઘરે પણ દરોડા પાડ્યા હતા
EDએ ગુરુવારે સવારે TMC નેતા મલિકના કોલકાતામાં સોલ્ટ લેક સ્થિત નિવાસસ્થાન પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. એક અધિકારીએ કહ્યું હતું કે EDના અધિકારીઓએ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં મંત્રીના નિવાસસ્થાને સર્ચ હાથ ધર્યું હતું. EDએ સેન્ટ્રલ ફોર્સના જવાનો સાથે મળીને મંત્રીના બે ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. મલિકની સાથે તેમના ભૂતપૂર્વ અંગત સહાયકના નિવાસસ્થાન સહિત અન્ય આઠ ફ્લેટ પર દરોડાની કાર્યવાહી કરાઈ હતી. જો કે દરોડા દરમિયાન મંત્રી ઘરે હાજર ન હતા.