અરબ સાગરમાં ઉઠેલું ચક્રવાતી વાવાઝોડું બિપરજોય સતત ભારત તરફ આગળ વધી રહ્યુ છે. તોફાનની ગંભીરતા જોઈ ગુજરાત સરકાર દ્વારા તટીય વિસ્તારમાં રહેતા 20 હજાર લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ આ કુદરતી આફતને પહોંચી વળવા NDRF અને SDRFની ટીમો ખડે પગે છે. આ બધા વચ્ચે બિપરજોય વાવાઝોડાથી પીડિત લોકોને રીવાબા જાડેજા ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય ગુરુવારે (15 જૂન, 2023) સાંજે ગુજરાતના જખૌ બંદરના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગે આ વાવાઝોડાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા તાજેતરના અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પૂર્વ દિશામાં ગુજરાતના દરિયાઈ તટ તરફ ફંટાયા પહેલા ચક્રવાતી તોફાન બિપરજોયની ગતિમાં થોડો ઘટાડો થયો છે.
આ પહેલા તેની ઝડપ 167 કિમી પ્રતિ કલાક હતી. પરંતુ હવે ઘટીને તે 157 કિમી પ્રતિ કલાકની થઈ ગઈ છે. જ્યારે તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેની ઝડપ 120 કિમી પ્રતિ કલાકની રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડાથી ગુજરાતના કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં નુકસાન થવાની શક્યતા છે.
બિપરજોય વાવાઝોડાથી પીડિત લોકોને ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે રીવાબા જાડેજા
નોંધનીય છે કે બિપરજોય વાવાઝોડાથી પીડિત લોકોને રીવાબા જાડેજા ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે. જામનગર ઉત્તર ભાગના ભાજપના ધારાસભ્ય રીવાબાએ પોતે ટ્વિટર પર કેટલાક ફોટા શેર કર્યા હતા. આ તસવીરોમાં તેઓ ફૂડ પેકેટ્સ તૈયાર કરતા જોવા મળી રહ્યા છે.
.png)


.png)