સરકારી યોજના, સહકારી મંડળીઓ, બેંક પાસેથી લોકોને લોન મળે તેવા ઉમદા આશય
વ્યાજખોરો પાસે નાણાં વ્યાજે લેવાને બદલે સરકારી યોજનાઓ, સહકારી મંડળીઓ, બેંક પાસેથી નાણાં વ્યાજે લઇ શકાય તે અંગે જાગૃતતા વધારવા માટે તાપી જિલ્લા પોલીસ વિભાગ તથા તમામ નેશનલાઇઝ બેન્ક અને ડી.આઇ.સીના સહયોગથી વ્યારા સ્થિત ડૉ. શયામ પ્રસાદ ટાઉન હોલ ખાતે ભવ્ય લોન મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ મેળામાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવે જણાવ્યું હતું કે, આ લોન મેળો નથી સામાજીક પરિવર્તનનો પ્રયાસ છે. જેમાં પોલીસ વિભાગ, બેન્ક, ઉદ્યોગ કચેરી અને જિલ્લાતંત્ર એક સાથે મળી નાગરિકોને મદદરૂપ બનવા સહભાગી બન્યા છે. તેમણે આજના લોન મેળામાં 363 જેટલા નાગરિકોને નાની મોટી લોન મળી અંદાજિત 6.05કરોડની લોન આપવા બદલ તમામ બેંક તથા પોલીસ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.
એડીશનલ ડી. જી.પી. પીયૂષ પટેલે નાગરિકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક ઝુંબેશ રૂપે આ લોન મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંવેદનશીલ નિર્ણય માટે સરકારની સરાહના કરતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વ્યાજખોરો પાસે જવાની જગ્યાએ બેંક મારફત નાણા લેવા વધારે યોગ્ય છે. આ કામમાં બેંક સહિત પોલીસ વિભાગ સારી અને સકારાત્મક ભૂમિકા અદા કરી રહ્યું છે.
જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે જણાવ્યું હતું કે, લોન મેળાનું આયોજન એ સરકાર તરફથી ખુબ જ સારી પહેલ છે. સરકારના પ્રયાસોથી લોન મેળા થકી એક સ્થળે અને ખૂબ જ ઓછા સમયમાં તથા ઓછામાં ઓછા વ્યાજ ઉપર બેંક મારફર નાગરિકો લોન મેળવી શકશે જેના થકી વ્યાજખોરોનું દૂષણ મટશે અને નાગરિકોમાં બેંકના કામકાજ અંગે જાગૃતતા વધશે. ડિસ્ટ્રીકટ મેનેજર રસિક જેઠવાએ પોલીસ આપણી મિત્ર છે આજનો લોન મેળો આપણા હિત માટે અને માર્ગદર્શન માટે યોજાયો હોવાનું જણાવ્યું હતુ.


.png)