સોનગઢ તાલુકામાં નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરના આંગણે પાઇપ લાઈન મારફત પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હોવાનો દાવો પાણી પુરવઠા અને વાસ્મો વિભાગ દ્વારા કરવામાં આવે છે પણ ગામડાં માં હકીકત કઈ જુદી જ જોવા મળે છે. જિલ્લા વાસ્મો વિભાગ દ્વારા ગ્રામ પાણી સમિતિ પર જવાબદારી નાખી પોતાનો બચાવ કરી લેવામાં આવે છે ત્યારે આ અંગે ઊંડાણથી તપાસ કરવાની જરૂર છે. સોનગઢ તાલુકાના અને ખાસ કરી ને તાપી નદીના 10થી 12 કિલોમીટરના અંતરમાં આવેલા ગામડાંમાં ભૂગર્ભ જળની સપાટી ઊંચી હોય છે જેથી પાણીનો સ્ત્રોત પણ સરળતાથી ઉપલબ્ધ છે.

આ કારણે નલ સે જળ યોજના અન્વયે ખાસ કરી ને પોખરણ,બેડવાણ ખડકા, માંડળ, નિશાણા અગાસવાણ, આમલી, બેડી , વાઝરડા, ચાકળિયા જેવાં ગામોમાં નલ સે જળ યોજના અન્વયે યોગ્ય કામગીરી થઈ નથી. આ ગામડાં સહિતના સોનગઢ તાલુકાના અન્ય ઘણાં ગામડાંમાં નલ સે જલ યોજના અન્વયે પાઇપ લાઈન અને બીજી કામગીરી માટેનો મોટો ખર્ચ પાડવામાં આવે છે. જો કે આ કામગીરીમાં ખાસ કંઈ ભલીવાર હોતો નથી જેથી યોજના થકી લોકોને લાભ મળતો નથી એ હકીકત છે.
આ વિસ્તાર તાપી નદીથી દસ બાર કિલોમીટરના અંતરે આવેલો હોય અહીં બોર કુવા અને હેન્ડપમ્પમાં ઉનાળા સિવાય પાણીના સ્તર ઊંચા રહેતાં હોય છે જેથી પાણી અંગેની બૂમ પડતી નથી. વાસ્મો દ્વારા આ વાતનો જ લાભ લઇ ગામડાંમાં પાઇપ લાઈન સહિતની અન્ય કામગીરીમાં યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી જેથી આ કામ કરનાર એજન્સી ટેન્ડરની શરત મૂજબનું મટીરીયલ વાપરતી નથી અને માત્ર પોતાની મન મરજી પ્રમાણેનું કામ કરી ચાલી જતી હોય છે. હાલ પણ ઘણા ગામડાઓમાં ઘણે ઠેકાણે પીવાના પાણીની ટાંકી બંધ સ્થિતિમાં જોવા મળે છે અને ઘર આંગણે લાગેલા નળ શોભા ના ગાંઠ્યા સમાન જોવા મળે છે.
ગામડાંમાં નલ સે જલ યોજના પાછળ મોટો ખર્ચ કરવા માં આવે છે છતાં લોકો બોર -કૂવા અને હેન્ડપંપમાંથી પાણી મેળવવા માટે મજબૂર બને છે. આમ નલ સે જલ યોજના અન્વયે સોનગઢ સહિત તાપી જિલ્લામાં મોટા ભાગના ગામડાંના લોકો ઘર આંગણે નળ દ્વારા પાણી મેળવતાં થઈ ગયા હોવાનું જાહેર કરવામાં આવે છે પણ જમીની લેવલ પર હકીકત કઈ જુદી જ જોવા મળે છે. આ બાબતે સોનગઢ તાલુકાના તમામ ગામડાંમાં નલ સે જલ યોજના બાબતે તપાસ કરવામાં આવે અને આવનાર ઉનાળાને ધ્યાને લઇ લોકોને નલ વડે ઘર આંગણે પાણી મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે એ જરૂરી છે.
જવાબદારી પાણી સમિતિ પર નાંખી દેવામાં આવે છે
વાસ્મો વિભાગ દ્વારા ગામના ફળિયામાં અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઈન નાખવામાં આવે છે અને ઘરે ઘરે નળ મુકવાની જવાબદારી પણ તેમની હોય છે. બાદમાં સમગ્ર યોજના ગામની પાણી સમિતિને હેન્ડ ઓવર કરવામાં આવતી હોય છે.
જો કે યોજના અન્વયે નાખવામાં આવેલી પાઇપ લાઈનના પાઇપ આઈએસઆઈ મારકાના છે કે કેમ, જમીનમાં નિયમ પ્રમાણે ઊંડાઈથી પાઇપ લાઈન થઈ છે કે કેમ ,નળ અને સ્ટેન્ડ પોસ્ટની ક્વોલિટી ટેન્ડરની શરત પ્રમાણે છે કે નહીં વગેરે બાબતની ખાત્રી સમિતિના સભ્યો કરતાં નથી અને પાણી યોજનાની જવાબદારી સ્વીકારી લે છે.
બાદમાં થોડા જ સમયમાં યોજના કોઈ ને કોઈ કારણે ખોટકાઈ જતી હોય છે અને લોકો ઘર આંગણે પાણીથી વંચિત રહી જતાં હોય છે. વાસ્મોના કર્મચારીઓ અને અધિકારીઓ આવા સમયે જે તે ગામના પાણી સમિતિની જવાબદારી દર્શાવી પોતાનો બચાવ કરી લેતા હોય છે અને જવાબદારીથી છટકી જતાં હોય છે.

.png)