વાપી કબ્રસ્તાન રોડના ઇસમે ઉમરગામ તાલુકાના યુવક પાસેથી આઇસર ટેમ્પો લઇ વ્યાજે રૂપિયા આપ્યા બાદ સામાવાળાએ વ્યાજ સહિત કુલ રકમ ચૂકવી દેવા છતાં ટેમ્પો પરત ન આપતા આ અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અચ્છારી આહીર ફળિયામાં રહેતા અને ડ્રાઇવીંગ કરી ઘર ગુજરાન ચલાવતા પંકજ કાંતીભાઇ આહીરે રવિવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ કે, વર્ષ 2013માં ધંધાના કામ માટે એક આઇસર ટેમ્પોની ખરીદી કરી તેઓ ધંધામાં વાપરતા હતા. એકાદ માસ પહેલા પૈસાની જરૂર હોય ઓળખીતા અને લોનનું કામ કરતા હાર્દીક પટેલ રહે.સેલવાસને મળી વાત કરતા તેમણએ તાત્કાલિક રૂ. 1 લાખ મેળવવા માટે વાપી કબ્રસ્તાન રોડ ખાતે રહેતા મુસ્તાક સાથે મુલાકાત કરાવતી હતી.
મુસ્તાકે આઇસર ટેમ્પો ગીરવે મુકી 5 ટકા માસિક વ્યાજે રૂપિયા આપવા જણાવી રૂપિયા ચૂકવી ટેમ્પો પરત આપવા જણાવ્યું હતું. મુસ્તાકે ઓળખીતા રૂમીન સોની પાસેથી રૂ.50,000 અને પોતે રૂ.26,000 રોકડા એમ કુલ રૂ. 76,000 આપી વ્યાજના રૂ.4,000 કાપી લીધા હતા. તેની બાદ ટેમ્પોની આરસી બુક લઇ પવનસીંગ જયપ્રકાશસીંહને આ ગાડી આપી દેતા બેંકમાંથી રૂ. 2 લાખ પર્સનલ લોન લઇ 1 જાન્યુઆરી 2023ના રોજ મુસ્તાકને 20-20 હજાર રૂપિયા ચાર વખત ટ્રાંસફર કરી કુલ રૂ.80,000 ચુકવી દેવા બાદ ટેમ્પો માટે પૂછતા તેણે જણાવેલ કે, ગાડી અમદાવાદમાં છે અને મંગાવીને આપી દઉં છું. ત્યારબાદથી અવારનવાર ખોટા વાયદાઓ કરી ગાડી પરત આપતો ન હોય ટેમ્પો ન આપી તારાથી થાય તે કરી લે કહી ધમકી આપતા ટેમ્પો માલિકે ફરિયાદ નોંધાવી છે.


.png)