ચીન, જાપાન સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોના વાઈરસે ફરી માથું ઉંચક્યું છે ત્યારે ભારતે પણ કોરોના સામે લડવાની તૈયારી કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં કોરોનાની સ્થિતિ, તેના સંબંધિત પાસાઓની સમીક્ષા માટે એક બેઠક યોજી હતી, જેમાં તેમણે કોરોનાના કેસ ઘટવાથી મહામારી સામે લડવામાં આવેલી ઢીલાશ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ટેસ્ટિંગ વધારવા તથા બૂસ્ટર ડોઝ માટે વિશેષ અભિયાન ચલાવવા નિર્દેશ આપ્યા હતા. આ સાથે તેમણે સંસદમાં માસ્ક પહેરી લોકને સંદેશ આપ્યો હતો.

વડાપ્રધાન મોદીના અધ્યક્ષપદે યોજાયેલી સમીક્ષા બેઠકમાં નીતિ આયોગના સભ્ય વીકે પૌલ અને સ્વાસ્થ્ય સચિવ રાજીવ ભૂષણે દેશ અને દુનિયામાં કોરોના સંક્રમણની સ્થિતિ પર વ્યાપક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જે મુજબ દેશમાં એક સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧૫૩ નવા કેસ સામે આવ્યા અને પોઝિટિવિટી દર ૦.૧૪ ટકા રહ્યો છે. દુનિયામાં છેલ્લા છ સપ્તાહથી દૈનિક સરેરાશ ૫.૯ લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે દેશમાં કોરોનાના કેસ ભલે ઓછા હોય અને આ મહામારી સંપૂર્ણપણે કાબૂમાં હોય, પરંતુ તેના કારણે તેની સામેની લડાઈમાં ઢિલાશ આવવી જોઈએ નહીં. તેમણે સંક્રમણ પર આકરી નજર રાખવા અને સારવાર માટે માળખુ તૈયાર રાખવું જોઈએ, જેમાં હોસ્પિટલ બેડ, ઓક્સિજન સિલિન્ડર, પીએસએ પ્લાન્ટ, વેન્ટીલેટર તથા કર્મચારીઓનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે ટેસ્ટિંગ વધારવા અને વિશેષરૂપે એરપોર્ટ્સ પર વિદેશી પ્રવાસીઓનું ફરીથી ટેસ્ટિંગ શરૂ કરવાની જરૂર છે. તેમણે રાજ્યોને વધુમાં વધુ પ્રમાણમાં કોરોના પોઝિટિવ સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે નિશ્ચિત લેબોરેટરીમાં મોકલવા જણાવ્યું. કોરોના હજુ ગયો નથી, તેથી કોરોના સંબંધિત માર્ગદર્શિકાનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ. દરમિયાન કોરોના વાઈરસ અંગે વધતી આશંકાઓ વચ્ચે કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે. દિલ્હીની એઈમ્સે પણ કર્મચારીઓ અને દર્દીઓને હોસ્પિટલ પરિસરમાં માસ્ક પરવાનું ફરજિયાત કર્યું છે. બીજીબાજુ વિદેશમાં કોરોનાના કેસ વધતાં ભારતે એરપોર્ટ્સ પર બે ટકા પ્રવાસીઓના રેન્ડમ સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે અને જરૂર જણાય તો બધા જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના ટેસ્ટ કરવાનું ફરજિયાત કરવા વિચારણા હાથ ધરી છે તેમ સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું હતું. આ સિવાય સંસદ પરિસરમાં અને બહાર સાંસદો સહિત બધા માટે માસ્ક ફરજિયાત કરાયા છે.
આ બધા વચ્ચે દેશમાં ગુરુવારે કોરોનાના નવા ૧૮૫ કેસ નોંધાયા હતા જ્યારે એક્ટિવ કેસ ઘટીને ૩,૪૦૨ થયા હતા. કોરોનાના કુલ કેસની સંખ્યા ૪.૪૬ કરોડ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકના મોત સાથે કુલ મૃત્યુઆંક ૫,૩૦,૬૮૧ થયો હતો.

.png)