ચીનમાં માર્ચ 2023માં કોવિડ-19ની સ્થિતિ વધુ આક્રમક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, દર 24 કલાકમાં 10 લાખ કેસ સામે 5 હજાર મોત થઈ શકે છે. બ્લૂમબર્ગે ગુરુવારે લંડન સ્થિત એનાલિટિક્સ ફર્મ એરફિનિટીના નવા સંશોધનને ટાંકીને અહેવાલ આપ્યો હતો. એરફિનિટી અનુસાર, કેસની વર્તમાન લહેર કોવિડ પ્રોટોકોલને રદ કરવાના ચીનના આગ્રહને કારણે છે, કારણ કે નવા ઓમિક્રોન સબ-વેરિયન્ટ BF.7 આવતા મહિના સુધીમાં દૈનિક નવા કેસોની સંખ્યા 30 લાખ સુધી વધારી શકે છે અને માર્ચમાં ચિંતાજનક રીતે 40 લાખ સુધી પહોંચી શકે છે
ચીનના કેસના સત્તાવાર આંકડા માત્ર 3 હજારથી ઓછા
એરફિનિટીના સંશોધન મુજબ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વિવાદાસ્પદ 'ઝીરો કોવિડ' નીતિ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. ચીને સત્તાવાર રીતે બુધવારે 2,966 નવા કેસ નોંધ્યા છે અને ડિસેમ્બરની શરૂઆતથી ઓછા કોવિડ મૃત્યુ થયાં છે, પરંતુ હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે અને અંતિમસંસ્કાર માટે પણ લાઇનો લાગી છે. એરફિનિટી અનુસાર ચીનમાં કોરોનાની નવી લહેર જાન્યુઆરીના મધ્ય સુધી ચાલશે. ત્યાર બાદ બીજી લહેર ફરી શરૂ થશે. એવું કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરીના અંતથી માર્ચ સુધી બીજી લહેરનો પ્રકોપ રહેશે,. એટલે કે માર્ચ મહિનામાં સ્થિતિ વધુ કફોડી બની શકે છે.
ચીનમાં કોરોના કેસની કેવી રીતે ગણતરી થાય છે
ચીનમાં સ્વાસ્થ્ય અધિકારી અનુસાર, માત્ર ન્યુમોનિયા અથવા શ્વાસ લેવામાં તકલીફને કારણે થયેલા મૃત્યુનો સત્તાવાર કોવિડ મૃત્યુઆંકમાં સમાવેશ થાય છે. આ સંદર્ભે મૃતકોની સંખ્યા ઘટી જાય છે, પરંતુ પ્રતિબંધો હળવા કર્યા પછી સંક્રમણના કેસમાં ઓચિંતો વધારો જોવા મળી રહ્યો છે. પેકિંગ યુનિવર્સિટીની હોસ્પિટલના ચેપી રોગ બાબતોના ચીફ વેંગ ગુઇકિયાંગે મંગળવારે જણાવ્યું હતું કે પહેલાંથી અસ્તિત્વમાં રહેલા રોગોને કારણે થયેલાં મૃત્યુને COVID-19 મૃત્યુની સંખ્યામાં ગણવામાં આવતા નથી.
ચીનમાં 80 કરોડ કોરોના સંક્રમિત
ચીનમાં કોરોના સંક્રમણની સ્થિતિ વર્ષ 2020ની યાદ અપાવી રહી છે. અત્યારે સ્થિતિ એટલી ખરાબ છે કે અહીંની હોસ્પિટલોમાં તમામ પથારીઓ ભરાઈ ગઈ છે. મેડિકલ સ્ટોર્સમાં દવાઓ ખતમ થઈ રહી છે. દર્દીઓ સારવાર માટે ડૉક્ટર્સની સામે ભીખ માગતા જોઈ શકાય છે.
બીજિંગના સૌથી મોટા સ્મશાનગૃહમાં 24 કલાક અંતિમસંસ્કાર કરવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે એનું કારણ ચીનમાં ફેલાઈ રહેલું નવું વેરિયન્ટ હોઈ શકે છે. એનું નામ BA.5.2.1.7 છે. વૈજ્ઞાનિકો એને BF.7 પણ કહી રહ્યા છે. ચીનમાં ઝીરો-કોવિડ પોલિસી સમાપ્ત થયા પછી કોરોનાના કેસમાં અચાનક વધારો થવાનું કારણ આ નવા વેરિયન્ટને કહેવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મતે આ ઓમિક્રોનનું સૌથી ખતરનાક મ્યૂટેશન છે.


.png)