ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. દિલ્હીમાં અમિત શાહના નિવાસસ્થાને ગુજરાત ભાજપના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીને લઇને ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રૂપાણી સરકારમાં મંત્રી રહેલા આઠ ધારાસભ્યોની ટિકિટ કપાઇ શકે છે. સૂત્રના મતે કેટલાક પૂર્વ મંત્રીઓની ટિકિટ કાપી નવા ચહેરાઓને ભાજપ ટિકિટ આપે તેવી શક્યતા છે. 100થી વધુ બેઠકો પર ભાજપે ત્રણ-ત્રણ ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરી છે. આવતીકાલે પાર્લામેન્ટ્રી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
સૂત્રોના મતે 10 નવેમ્બર બપોર સુધીમાં ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ભાજપ હું ખુશ છું નામનું ચૂંટણી કેમ્પેઇન લોન્ચ કરશે. ભાજપના અનેક મોટા નેતાઓની ટિકિટ કપાઇ શકે છે. ભાજપ વધુ નવા ચહેરાઓને ટિકિટ આપશે. એક ડઝનથી વધુ મહિલાઓને ભાજપ ટિકિટ આપી શકે છે.