- ઉકાઇ જુથ ગ્રામ પંચાયતની સભા શરૂ થાય એ પહેલા જ પ્રચંડ વિરોધ
- 5 ગામના લોકોએ રસ્તે બેસી વિરોધ નોંધાવતા ઉકાઇ-સોનગઢ માર્ગ 4 કલાક બંધ
ઉકાઈ જૂથ ગ્રામ પંચાયતની ખાસ ગ્રામસભા સોમવારે મળનાર હતી,. પરંતુ ગ્રામસભામાં ઉપસ્થિત 5 જેટલાં ગામના લોકોએ ગ્રામસભા યોજવા પહેલાં અગાઉની ગ્રામસભામાં થયેલા ઠરાવ ઓનલાઈન કરવાની માંગ મૂકી હતી, જે બાબતે રકઝક થતાં, ગ્રામજનો વિફર્યા હતા, અને સોનગઢ ઉકાઇ માર્ગ પર બેસી જતા, રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
જેના કારણે લોકોની અવર જવર બંધ થઈ હતી. અંતે વહીવટદારે દસ દિવસમાં ઠરાવ ઓનલાઈન કરવાની ખાતરી આપી હતી. અને વહીવટીતંત્રએ અન્ય પેન્ડિંગ પ્રશ્નો બાબતે પણ હકારાત્મક અભિગમ દાખવવામાં આવતાં 4 કલાક બાદ લોકો રસ્તા પરથી ઉઠયા હતાં. ત્યારબાદ લોકોની અવર જવર યથાવત થઈ શકી હતી.ઉકાઈ જૂથ ગ્રામ પંચાયતમાંથી વાગદા ગામ છૂટું કરી તેની અલગ પંચાયત બનાવવાના કારણે ઉકાઈ ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી, અને હાલ પંચાયતમાં વહીવટદારનું શાસન ચાલે છે. આ ગ્રામ પંચાયતની સામાન્ય ગ્રામ સભા ગત 17મી કરવામાં આવી હતી, અને એ ગ્રામસભામાં એજન્ડા મુજબ કુલ 18 જેટલાં પ્રશ્નો લેવામાં આવ્યા હતા.
જોકે એ દિવસે ગ્રામસભામાં સક્ષમ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ન હોવાથી લોકોએ ભારે વિરોધ દાખવતાં આખરે સભા મુલતવી રાખવામાં આવી હતી. આખર 31મી ઓક્ટોબરના રોજ એકતા દિવસ નિમિત્તે ખાસ ગ્રામસભા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. પંચાયતમાં સમાવિષ્ટ પાંચ ગામના લોકો પોતાના પ્રશ્નો સાથે મોટી સંખ્યામાં પંચાયત કચેરી પાસે ઉમટી પડ્યા હતાં.સોમવારે પણ ગ્રામસભામાં લોકોના પ્રશ્ન લેવામાં આવનાર નહી હોય, જેથી વિફર્યા હતાં, અને સવારે 11 કલાકથી ઉકાઈ સોનગઢ રોડ પર બેસી ગયા હતાં, અને રસ્તો ચક્કાજામ કર્યો હતો. ઉકાઈથી સોનગઢ તરફ જતાં રોડ પરનો વાહનવ્યવહાર સદંતર બંધ થઈ ગયો હતો.
આ અંગે પોલીસને જાણ થતાં સોનગઢ પીઆઇ નયન ચૌહાણ અને સોનગઢ-ઉકાઈનો પોલીસ સ્ટાફ અને એલસીબીના માણસો સ્થળ પર દોડી આવી રસ્તો ખોલાવવા માટે આદિવાસી અગ્રણીઓ સાથે મસલત શરૂ કરી હતી. જોકે, ગ્રામજનો અને અગ્રણીઓના જણાવ્યાં પ્રમાણે ભૂતકાળમાં યોજાયેલી ગ્રામસભાની કાર્યવાહી નિયમાનુસાર હજી સુધી ઓનલાઈન કરવામાં નથી. જેથી સરકાર પક્ષે તેમાં કોઈ ઠરાવમાં સુધારો કે નવો ઠરાવ લખવામાં આવનાર હોવાની શંકા આગેવાનોએ વ્યક્ત કરી હતી.
ચક્કાજામ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ અને અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં, અને તેમણે પણ આંદોલનકારો સાથે માંગણીઓને લઈને વિચાર વિમર્શ કર્યો હતો. આખરે 4 કલાક બાદ બપોરના સમયે પોલીસ તંત્રની મધ્યસ્થી બાદ 4 મુદ્દા સાથે સમજૂતી થઈ હતી. અને તેની જાહેરાત અગ્રણીઓ અને ઉકાઈ પંચાયતના વહીવટદાર કરી હતી. બાદમાં આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હોવાની જાહેરાત અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી. આ જાહેરાતના પગલે ઉકાઈ રોડ ખુલ્યો હતો અને વાહનવ્યવહાર યથાવત્ શરૂ થઈ શક્યો હતો.
સભાના નામે અમને છેતરવામાં આવે છે
ઉકાઈ ગ્રામપંચાયત માં હાલ વહીવટદાર નું શાસન છે અને આ જ માસ માં ત્રણ વખત ગ્રામ સભા યોજવા ની જાહેરાત કરવામાં આવી હતી.જો કે તમામ વખતે ગ્રામ સભા માં જેમણે ઉપસ્થિત રહેવાનું હતું એવાં સરકારી અધિકારી ઓ બહાના બાજી કરી યેનકેન પ્રકારે તેઓ ગેરહાજર રહે છે જેથી ગ્રામજનોનાં પ્રશ્નો નો નિકાલ થતો નથી.ગ્રામ સભા આદિવાસી સમાજ માટે જીવાદોરી સમાન છે ત્યારે સભા ના નામે આદિવાસી સમાજ ને છેતરવા માં આવે છે અને અંતે સરકાર અમારી જમીન પડાવી લેવા માંગે છે એવું અમને લાગે છે. - વિજય ગામીત, અગ્રણી, પાથરડા ગામ
અગાઉના અનેક ઠરાવો ચોપડે નથી ચડ્યા
ઉકાઈ ગ્રામપંચાયત માં હાલ એક બહેન તલાટી તરીકે ફરજ બજાવે છે પણ તેમના કહેવા મુજબ તેમને હજી સુધી આગળ ના તલાટી પાસે થી ચાર્જ આપવામાં આવ્યો નથી. તેથી તેઓ આગળ ના ઠરાવ અને કામો વિશે જાણતાં નથી.ગ્રામ સભા ની શરૂઆત માં આગલી સભાના ઠરાવ ને બહાલી આપવામાં આવે છે એ પણ પ્રોસિજર કરવામાં આવતી નથી.આગળ ના સમયમાં કેટલાય ઠરાવ લખવા માં આવ્યા નથી અને દસ્તાવેજ નોંધવામાં આવ્યા નથી એવી અમને શંકા છે જેની યોગ્ય તપાસ કરવામાં આવે.પંચાયત ની ગ્રામસભા સક્ષમ અધિકારીઓની ઉપસ્થિતિમાં જ યોજવામાં આવે તેવી અમારી માંગ છે. > કિરણ ગામીત, સ્થાનિક અગ્રણી
ઠરાવ બુક મુદ્દે ગોલમાલની શંકા
ચક્કાજામ વખતે અગ્રણીઓ દ્વારા પંચાયતની ઠરાવ બુક જોવાની માંગ ઉઠતાં તલાટી બહેન ઠરાવ બુક લઈ આવ્યાં હતાં. જો કે આગલી પાના નંબર અને સહી સિક્કા સાથેની ઠરાવ બુક અધૂરી હોવા છતાં તલાટી દ્વારા એ બુક કબાટમાં મૂકી દેવામાં આવી હતી અને સિક્કા વગર ની કોરી ઠરાવ બુક માં ઠરાવ લખાયા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ જણાવ્યું હતું કે જૂની ઠરાવ બુકમાં પાછળથી કોઈ ઠરાવ લખી દેવાની મનસા તંત્રની હોય શકે.
પ્રશ્નોનું નિરાકરણ થશે
આંદોલનના અંતે પંચાયતના વહીવટદાર પ્રતાપ ભાઈએ જણાવ્યું કે ભવિષ્યમાં પંચાયત ઘર માંથી કોઈ દસ્તાવેજની હેરફેરી ન થાય તે માટે સીસીટીવી ગોઠવી હોમ ગાર્ડ તૈનાત કરાશે.વિસ્થાપિત બનેલા લોકોની જમીન હજી મેઈન માલિકના કબ્જામાં છે એ હેતુ ફેર કરી પરત આપવામાં આવશે અને આદિમ જૂથ ના લોકો ને જમીન ની બાકી સનદ પણ સત્વરે આપી દેવાશે.


.png)