હવે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને AIMIM પણ મેદાનમાં છે. રવિવારે હૈદરાબાદના સાંસદ અને AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી સુરત પૂર્વ બેઠક પર પોતાના ઉમેદવારનો પ્રચાર કરવા માટે એક સભા કરી રહ્યા હતા જ્યા તેમને મુસ્લિમ યુવાનોના કાળા વાવટા સાથેના વિરોધનો ભોગ બનવું પડ્યું હતું.
સુરતમાં કાળા વાવટા સાથે વિરોધ
અહેવાલો મુજબ અસદુદ્દીન ઓવૈસી ગત રાતે સુરતની સુરત પૂર્વ વિધાનસભા બેઠક પરના AIMIM ઉમેદવાર વસીમ કુરેશીનો પ્રચાર કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેમણે વિસ્તારમાં એક જાહેરસભા પણ સંબોધવાની હતી.
ઓવૈસી જયારે સભામંચ પર પહોંચ્યા અને પોતાનું ભાષણ શરૂ કર્યું એવામાં જ કેટલાક મુસ્લિમ યુવાનોએ કાળા વાવટા ફરકાવીને તેમનો વિરોધ કરતા નારા લગાવ્યા હતા. યુવાનોએ ‘વાપસ જાઓ, વાપસ જાઓ’ ના નારા સાથે ‘મોદી-મોદી’ ના નારા પણ લગાવ્યા હતા.
દાણીલીમડામાં ઓવૈસીની સભા રદ્દ
શનિવાર (12 નવેમ્બર)ના દિવસે અમદાવાદના દાણીલીમડા વિધાનસભા ક્ષેત્રમાં AIMIM ઉમેદવાર કૌશિકા પરમારના પ્રચાર માટે અસદુદ્દીન ઓવૈસીની એક સભાનું આયોજન કરાયું હતું. પરંતુ બાદમાં આ સભા રદ્દ કરવામાં આવી હતી.