ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર શરૂ થઈ ગયો છે. આજે સાંજે વડાપ્રધાન ફરી ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન ગઈકાલે નવસારી વિધાનસભાના ભાજપના ઉમેદવારે લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. અંચેલી ગામમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના ઉમેદવારને લોકોએ ખરીખોટી સંભળાવી હતી. પાસ હોલ્ડર વર્ગને જરૂરી ટ્રેનનું સ્ટોપેજ બંધ થતાં 18 ગામે મતદાન ન કરવાનો સંકલ્પ કર્યો હતો. પ્રચાર કરવા ગયેલા રાકેશ દેસાઈ સહિત ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહને પણ લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમયથી ટ્રેનની રજૂઆતનો ઉકેલ ન આવતા ગ્રામજનો ભાજપના ઉમેદવાર પર અકળાયા હતા. આ સિવાય ટ્રેન નહીં તો વોટ નહીં ના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા.
ગુજરાત વિધાનસભાનું ચૂંટણી ચિત્ર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ તો ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ત્રિપાંખિયો જંગ નિશ્ચિત છે.પરંતુ આ ત્રણ નેશનલ પાર્ટી ઉપરાંત પણ અનેક સ્ટેટલેવલના અને સ્થાનિક પક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવતા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણીમાં તમામ પક્ષો -અપક્ષો મળીને કુલ 39 રાજકીય પક્ષોના ઉમેદવારો છે. 39 પક્ષોના કુલ 788 ઉમેદવારોમાં 70 મહિલા ઉમેદવારો છે. જ્યારે કુલ ઉમેદવારોમાં 339 અપક્ષ ઉમેદવારો છે.
ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણી માટે વિવિધ પક્ષો-ઉમેદવારોની વિગતો જાહેર કરી છે.જેમાં વિવિધ રાજકીય પક્ષોની યાદી પણ જાહેર કરવામા આવી છે.ભારતીય જનતા પક્ષ-ભાજપ ઉપરાંત પાર્ટીમાં ભારતીય નામના ઉલ્લેખ સાથે અન્ય પાંચ પક્ષો પણ છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં સામ્યવાદી પક્ષનો એક જ ઉમેદવાર (સ્વ.બટુક વોરા) જીત્યા છે. પરંતુ દરેક ચૂંટણી પક્ષની માફક સામ્યવાદી પક્ષના ચાર ફિરકા મેદાનમાં છે.તેઓએ 10 ઉમેદવાર ઉભા રાખ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં નેશનલ,સ્ટેલ લેવલ અને લોકલ પાર્ટી સહિતની 39 રાજકીય પાર્ટીઓ છે.જેમાં ભાજપ,કોંગ્રેસ, આપ,બીએસપી, સીપીઆઈ, સીપીઆઈ-એમ, એઆઈએમઆઈએમ, સહિતના પક્ષો છે જ્યારે અન્ય સ્થાનિક પક્ષો છે.