વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ ભરવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરવામાં આવી છે. તો આપે પણ 14મી યાદી જાહેર કરી છે. ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદો શરૂ થયા છે અને સુરત હોય કે અમદાવાદ કે પછી વડોદરા. ટિકિટ ન મળતાં વિરોધ અને ટિકિટ અપાતા વિરોધ એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે અમદાવાદની દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ કાપડિયાનો વિરોધ થયો હતો. આજે તેઓ દાણીલીમડા વિસ્તારમાં તેમના સમર્થકો સાથે ડોર ટુ ડોર પ્રચાર અને મત માંગવા માટે નીકળ્યા હતા, ત્યારે સ્થાનિક લોકોએ તેઓનો હુરિયો બોલાવ્યો હતો અને કોંગ્રેસના નારા લગાવ્યા હતા. AAPના ઉમેદવારનો વિરોધ
2017માં મારા મેન્ડેટની વેલિડિટી 4 કલાક રહી- મનહર પટેલ
કોંગ્રેસે પ્રવક્તા હિંમાશું પટેલને ગાંધીનગરની દક્ષિણ બેઠક પરથી ઉતાર્યા છે. ત્યારે બીજા પ્રવક્તા એવા મનહર પટેલને ટિકિટ ન મળતાં નારાજ થયા છે. બોટાદ બેઠક પર દાવેદારી કરવા છતાં ટિકિટ ન મળતાં નારાજ મનહર પટેલે અશોક ગેહલોત સમક્ષ નારાજગી ઠાલવી હતી. જોકે, ગેહલોતે દોઢ કલાક બેઠક યોજીને અંતે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે વાતચીત કરવા માટે સૂચના આપી દીધી હતી. મનહર પટેલે નિવેદન આપ્યું હતું કે, બોટાદ બેઠક પર જનતા મને કહેશે તે મુજબ આગળ વધીશ. ટિકિટ નહીં મળે તો પણ ભાજપ કે આમ આદમી પાર્ટી સિવાયનો અન્ય કોઈપણ વિકલ્પ પસંદ કરીશ.
દ્વારકામાં દાવેદાર પાલ આંબલિયાને કોંગ્રેસે ટિકિટ ન આપતા કોંગ્રેસના કિસાન સેલના કાર્યકરોમાં રોષ છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેઓ રોષ ઠાલવી રહ્યા છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ટિકિટ ન મળતાં વિરોધમાં આખરે ભાજપને રામ રામ કરી દીધા છે. સાથે જ મીડિયા સમક્ષ શ્રીવાસ્તવે સી આર પાટીલને મોકલેલું રાજીનામું વાંચી સંભળાવ્યું હતું.