ગુજરાતમાં મતનો મહાસંગ્રામ શરૂ થઈ થયો છે. આગામી ચૂંટણીમાં એકબીજાને પછાડવાની રણનીતિઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ બધાની વચ્ચે ગુજરાતનું એક શહેર લડાઈનું કેન્દ્રબિંદુ બન્યું છે. આ શહેર એટલે સુરત. સમગ્ર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે, પણ સુરતમાં તસવીર સાવ અલગ છે. અહીં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરેખરનો મુકાબલો જામ્યો છે. જોકે ગુજરાતમાં પહેલીવાર સરકાર બનાવવાનાં સપનાં જોતી આમ આદમી પાર્ટીના અમુક નિર્ણયોએ રાજકીય પંડિતોને ચોંકાવ્યા છે.
પહેલાં AAPનો શું પ્લાન હતો?
આજથી થોડો સમય પહેલાં આમ આદમી પાર્ટીએ આખા ગુજરાતમાં જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું. માત્ર સુરત પાલિકાની પાર્ટી નહીં, પણ સમગ્ર રાજ્યમાં છવાઈ જવા માટેની તૈયારીઓ કરી હતી. અન્ય પાર્ટીઓની તુલનાએ સૌથી ઝડપી ઉમેદવારો પણ ડિક્લેર કરી દેવાનું શરૂ કર્યું હતું. જોકે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે એમ એમ AAPનો વ્યાપ સીમિત બની રહ્યો એવું ચિત્ર ઊપસી રહ્યું છે. સામાન્ય રીતે AAPના નેતાઓ જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં સત્તામાં રહેલાં મોટાં માથા સામે ચૂંટણીજંગમાં ઊતરતાં હોય છે. ભૂતકાળમાં વારાણસીમાં કેજરીવાલ પણ મોદી સામે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જોકે AAPએ આ સ્ટ્રેટેજી ગુજરાતમાં બદલી છે.
તમામ હુકમના એક્કાઓ એક જ જગ્યાએ ઉતારવા સ્ટ્રેટેજી કે મજબૂરી?
આમ આદમી પાર્ટીએ પાટીદાર પ્રભુત્વવાળી સુરતની તમામ 6 સીટ પર હુકમના એક્કા ઊતર્યા છે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને કતારગામ, આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ, રામ ધડૂકને કામરેજ, પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાને વરાછા અને ધાર્મિક માલવિયાને ઓલપાડ પરથી ઉમેદવાર બનાવ્યા છે. આમ, AAPએ માત્ર સુરતની પાટીદાર પ્રભુત્વાળી સીટો પર જ ફોકસ કર્યું છે, જેથી AAPએ ગણતરીની સીટો પર જ ફોકસ કરી અન્ય સીટો જતી કરી હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે.
AAPના ત્રણ-ત્રણ સર્વેમાં નબળું પરિણામ આવ્યું
પહેલાં એ પણ નિશ્ચિત ન હતું કે સુરતની સૌથી મહત્ત્વની બેઠક પૈકીની વરાછા અને ઓલપાડ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના કયા ઉમેદવાર મેદાનમાં ઊતરશે. ખુદ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ માનસિક રીતે તૈયાર નહોતા કે તેઓ વરાછા બેઠક પરથી પોતે ચૂંટણી લડશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આપની પાર્ટીએ ત્રણથી ચાર વખત સર્વે કરાવ્યા હતા, જેમાં ન તો ગોપાલ ઇટાલિયા કે ન તો મનોજ સોરઠિયાને સમર્થન મળ્યું હતું. જે પાટીદારોમાં પોતાનો પ્રભાવ છે એવું આમ આદમી પાર્ટી સતત બતાવવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યાં સર્વેનાં પરિણામ નબળાં આવતાં હતાં, આથી આપને ચિંતા પેઠી હતી કે આ બેઠકો પર આપણે સારી રીતે લડત આપી શકીશું કે કેમ? અને જો સુરતમાં માહોલ ન બન્યો તો સૌરાષ્ટ્રમાં જે થોડો ઘણો માહોલ અત્યારે બની રહ્યો છે એ પણ ખરા ટાઈમે વિખાઈ જશે.
PAASના આવવાથી AAPએ સ્ટ્રેટજી બદલી
બીજી તરફ, આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને PAASના કન્વrનર અલ્પેશ કથીરિયા વચ્ચેનો અહમ એટલો હતો કે એક મ્યાનમાં બે તલવાર કેવી રીતે લાવવી એ આમ આદમી પાર્ટી માટે પણ લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ હતી. જોકે કહેવાય છે ને કે રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતું. બંને નેતાની જરૂરિયાત હતી કે સમયસર રાજકારણમાં પોતાનું સ્થાન જમાવી લેવું જોઈએ અને પરિણામે અલ્પેશ કથીરિયા અને ગોપાલ ઇટાલિયાએ સમાધાન કર્યું અને પાસ આપમાં જોડાઈ ગઈ. બંને સાથે આવતાં આમ આદમી પાર્ટી માટે પાટીદાર મતદારોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનું ખૂબ સરળ બની ગયું.