વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પટેલ આમ આદમી જોડાયા તેમની વિધાનસભાની ટિકિટ નક્કી જ જોવા મળી રહી હતી. આમ આદમી પાર્ટીએ યુવરાજ સિંહ જાડેજાને દહેગામ વિધાનસભા સીટ પરથી ટિકિટ આપી હતી પરંતુ આ જાહેરાત સાથે સ્થાનિક સ્તરે વિરોધ અને અન્ય કારણોસર અંતે યુવરાજ સિંહે પોતે જ આ બેઠક પોતાના મિત્ર અને આમ આદમીના સક્રિય કાર્યકર સુહાગ પંચાલને ખાલી કરી આપી છે.
આજે જાહેર થયેલ વિધાનસભા ચૂંટણી માટેની AAP ગુજરાતની 12મી યાદીમાં દહેગામ બેઠક પરથી સુહાગ પંચાલનું નામ જાહેર થતા ચોતરફ કુતુહલ સર્જાયું હતુ પરંતુ આ નામોની જાહેરાત કરવાની સાથે જ યુવરાજ સિંહે જ ફોડ પાડ્યો કે પાયાના કાર્યકરને જ ચૂંટણીની કમાન આપવી જોઈએ તેથી હું સત્તાની લાલસાએ નહિ પરંતુ એક સેવકની ફરજ અદા કરીશ.
પ્રેસ વાર્તામાં જાડેજાએ કહ્યું અમે રાજનીતિ કરવા નહિ, રાજનીતિ બદલવા આવ્યા છીએ. આગામી વિધાનસભા ચૂંટણીમાં હું AAPના સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી નિભાવી સમગ્ર રાજ્યના યુવાઓને જાગૃત કરી એમના અધિકારો માટે લડત લડીશ. ગુજરાતની 7 બેઠકોની જવાબદારી અને સ્ટાર પ્રચારક તરીકે સમગ્ર ગુજરાતની જવાબદારી આમ આદમી પક્ષ દ્વારા તેમને આપવામાં આવી છે.