તાપી જિલ્લાના નિઝરમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જનસભાને સંબોધી
તાપીના નિઝર ખાતે એક ચૂંટણી સભા સંબોધવા માટે આવેલ અમિત શાહે ખાસ કરીને કોંગ્રેસ ની નીતિ પર ચાબખા માર્યા હતાં. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ બોર્ડ લગાવે છે કે કામ બોલે છે પણ હું પૂછું છું કે કોંગ્રેસ છેલ્લા બત્રીસ વર્ષથી ગુજરાતમાં સત્તા પર નથી.
ત્યારે તેનું કયું કામ બોલે છે. અમે આજે અહીં અમારા વિકાસ કામનો હિસાબ આપવા આવ્યાં છે ત્યારે કોંગ્રેસ પાસે પણ તમે હિસાબ માંગજો. જો કે રાહુલ બાબા પાસે તે સમયની કોંગ્રેસ સરકારનો હિસાબ આપવા જેવું કંઈ નથી જેથી તેઓ ગુજરાતમાં જ્યારે ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે ત્યારે તેઓ ક્યાંક ફરી રહ્યાં છે.
તેમણે સ્થાનિક વ્યારાની સુગર ફેકટરી વિશે જાહેરાત કરતાં જણાવ્યું કે વ્યારા સુગર માટે સરકારે 30 કરોડ ફાળવી દીધા છે અને ટૂંક સમયમાં એ શરૂ થશે. શરૂઆતમાં જ તેમણે સ્થાનિક આદિવાસી સમાજના દેવલી માડી અને કંસરી માતા તથા ગુણસદા ગામના રોકડિયા હનુમાનજીની જય બોલાવી હતી.