અમદાવાદ શહેરમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ખરાબ હોય તે માત્ર વાતો નહીં પણ રોજ રોજ બની રહેલી ઘટનાઓ સાબિત કરી રહી છે. શહેર પોલીસ કમિશનર જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર નિષ્ક્રિય સાબિત થયા છે અને ત્યાં ઉપરા ઉપરી હત્યાના બનાવો બન્યા છે. શહેરમાં હત્યાઓના સિલસિલા વચ્ચે હવે પોલીસકર્મીઓનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. શહેરમાં 24 કલાકમાં પાંચ પોલીસ કર્મીઓએ શહેર પોલીસનું માથું શરમથી ઝૂકાવી દીધું છે. જેમાં એક પોલીસ કર્મી બેફામ બનીને તોડ કરી રહ્યા હતા તો 4 પોલીસ કર્મી જુગારના સ્ટેન્ડ પરથી ઝડપાયા છે. આ સમગ્ર મામલે શહેર પોલીસને બે અલગ અલગ એજન્સીઓની રેડને કારણે શરમથી માથું ઝુકાવવું પડ્યું છે.
કોન્સ્ટેબલે દારૂના પ્રકરણમાં પાંચ લાખની લાંચ માંગી
દિવાળીના તહેવારમાં શહેરમાં પોલીસ જાણે બેફામ બનીને તોડ કરી રહી હોય તેવી વાતો થતી હતી. પરંતુ શુક્રવારે તો તેની સાબિતી પણ મળી ગઈ છે, કારણ કે નારણપુરા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ દારૂ પ્રકરણમાં પાંચ લાખની લાંચ માંગી હતી. રિક્ષામાં બે પેટી દારૂ લઈ જતાં વ્યક્તિને પકડીને એક પોલીસ કોન્સ્ટેબલે કેસ નહીં કરવાના 2.25 લાખ રૂપિયા માંગ્યા હતાં. ફરિયાદીએ ACBનો સંપર્ક કરતાં જ ACBએ છટકુ ગોઠવીને આરોપી પોલીસકર્મી અને વહીવટદારને એક લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતાં.
રકઝકના અંતે 2.25 લાખ નક્કી કર્યા
ફરિયાદીએ શાહીબાગ ખાતેથી તેમના કાકાને પાર્સલ લેવા માટે મોકલ્યા હતા.આ પાર્સલમાં બે પેટી દારૂ હતો. જેથી ફરિયાદીના કાકા શાહીબાગથી રિક્ષામાં પાર્સલ લઈને જતા હતા ત્યારે શાસ્ત્રીનગર પાસે પોલીસે રીક્ષાને રોકીને ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે મુકી દીધી હતી જે રિક્ષામાં બે પેટી દારૂ મળી આવ્યો હતો. દારૂ પકડીને કેસ નહિ કરવા નારણપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પ્રકાશ રબારીએ ફરિયાદી પાસે 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.જે બાદ રકઝકના અંતે 2.25 લાખ નક્કી કર્યા હતા.
ACBએ 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો
ફરિયાદીએ લાંચ ના આપવી હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો.ACBએ છટકું ગોઠવ્યું હતું જેમાં ફરિયાદી 1 લાખ રૂપિયા લઈને પોલીસ કોન્સ્ટેબલ અમૃત રબારીને આપવા ગયા હતા જે પૈસા અમૃત રબારીએ ગુજરાત હાઉસિંગ બોર્ડ કૉમ્પ્લેક્ષમાં આવેલા એપેક્ષ પાન પાર્લરના માલિક ભરત પટેલને આપવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ ભરત પટેલને 1 લાખ રૂપિયા આપ્યા હતા. ACBએ પાન પાર્લરના દુકાનના ડ્રોવરમાંથી 1 લાખ રિકવર કર્યા હતા.બંને આરોપીઓની પણ ધરપકડ પણ કરી છે.
4 પોલીસ કર્મી જુગારના સ્ટેન્ડ પરથી મળી આવ્યા
જ્યારે અન્ય કિસ્સામાં એક જુગારનું સ્ટેન્ડ ચાલુ હતું. પોલીસનું કામ છે અહીં દારૂ અને જુગાર બંધ કરાવવાનું છે. પરંતુ ચાલતા જુગારના સ્ટેન્ડ પર ચાર પોલીસ કર્મચારીઓ મળી આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાબુ દાઢીના જુગારધામ પર રેડ કરી ત્યારે હિતેન્દ્ર તખ્તસિંહ જે સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર ઠાકરનો વહીવટ સંભાળે છે. તેની સાથે અમદાવાદના એક બ્રાન્ચના એસીપીનો વહીવટ સંભાળતા હિતેન્દ્ર સિંહ ચંપાવત, એક પી.એસ.આઇ, દર્શન સિંહ પરમાર અને કિશોર અનુપમ વિજિલન્સની રેડ દરમિયાન જુગારના સ્ટેન્ડ પરથી મળી આવ્યા હતા.
તમામ સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી
વિજિલન્સની ટીમે આ ચારેય પોલીસ કર્મચારીઓની અટકાયત કરીને તેની સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જ્યારે આ તમામ સામે પોલીસ ફરિયાદ પણ ટૂંક સમયમાં દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં નવરાત્રિ સમયે જ એક પછી એક હત્યાના બનાવ બન્યા તે પણ પોલીસ કમિશનર રહે છે તે જ વિસ્તારમાં હત્યાના બનાવ બનતા સ્થાનિક પોલીસ જરા પણ ક્યાંય કંટ્રોલ રાખી શકતી ન હોવાની સાબિત કરે છે, તેની સાથે 24 કલાકમાં પાંચ પોલીસ કર્મચારીને અમદાવાદ શહેરમાં ધરપકડ થતા હવે પોલીસ કઈ રીતે કામ કરી રહી છે તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.


.png)