ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ અને ઉમેદવારો નક્કી કરવા તાત્કાલિક મિટિંગ બોલાવી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાઇકમાન્ડ સાથે મુલાકાત કરવા દિલ્હી રવાના થયા છે.
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, જ્યારે ગુજરાતની ચૂંટણીની જાહેરાત બાકી છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન છે અને 8 ડિસેમ્બરે પરિણામ છે. 8 ડિસેમ્બરે જ ગુજરાત અને હિમાચલના પરિણામ જાહેર થવાની શક્યતા છે. આ વચ્ચે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાઇકમાન્ડ સાથેની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દિલ્હીમાં હાઇકમાન્ડ સાથેની બેઠકમાં ગુજરાત ચૂંટણી મુદ્દે ચર્ચા-વિચારણા કરશે. જેમાં જ્ઞાતિ ગણિત, રીપિટ, નો રીપિટ થિયરી સહિતની બાબતો અંગે વિચારણા કરી ઉમેદવારો નક્કી કરવા માટે મંથન કરશે.
આ કારણે આજે જાહેર ન થઈ ગુજરાતની ચૂંટણી
ગુજરાતમાં આજે ચૂંટણીની તારીખો જાહેર ન થવા અંગે રાજકીય નિષ્ણાતો કહે છે, હજી ગુજરાતમાં ઘણાબધા સરકારી કાર્યક્રમો બાકી છે. એક તો ડિફેન્સ એક્સપો જે 20-21-22 ઓક્ટોબરે આયોજિત છે, જેમાં વડાપ્રધાન પોતે હાજરી આપવાના છે. આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણી જાહેર થવાની શક્યતા ઓછી છે. આ પહેલાં પણ ડિફેન્સ એક્સપો માર્ચ 2022માં આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ અમુક કારણોથી એ પાછો ઠેલવામાં આવ્યો હતો. ગુજરાત એક્સપો સરકારનો ખૂબ મોટો કાર્યક્રમ માનવામાં આવે છે.
18 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ
ગુજરાતમાં વિધાનસભાની કુલ સીટ 182 છે. 40 સીટ અનામત છે. 13 સીટ અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 સીટ અનુસૂચિત જનજાતિ (ST) માટે રિઝર્વ છે. 2017 ચૂંટણીની વાતો કરીએ તો ભાજપે અહીં સંપૂર્ણ બહુમતી સાથે જીત મેળવી સરકાર બનાવી હતી. ચૂંટણીમાં ભાજપને 99, કોંગ્રેસને 77 સીટો મલી હતી. બે સીટ ભારતીય ટ્રાઈબલ પાર્ટીને અને એક સીટ એનસીપીને મળી હતી, જ્યારે 3 સીટો પર અપક્ષે જીત મેળવી હતી.
રાજ્યમાં 4.90 કરોડ મતદારો, 11.62 લાખ નવા મતદાર ઉમેરાયા
રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે.
18 થી 19 વયના જુથના 4.61 લાખથી વધુ મતદાર ઉમેરાયા
આખરી મતદાર યાદીમાં સમાયેલી વિગતો પ્રમાણે રાજ્યમાં 18 થી 19 વયના જુથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી છે. જે પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
20થી 29 વય જુથમાં મહિલા મતદારો વધુ નોંધાયા
જ્યારે 20 થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 1.45 લાખથી વધુ અને 2.57 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.એટલે કે, આ વય જુથમાં પુરૂષોની સરખામણીએ મહિલાઓએ મતદાર તરીકે વધુ નોંધણી કરાવી છે.



.png)