સોનગઢથી કપડવંજ હાઇવેનો વિરોધ તેમજ પ્રોજેક્ટ એરીયા પાથરડા સિંગલખાચ સર્વે બંધ કરવા સહિતના અન્ય મુદ્દાને લઈને કોંગ્રેસના માજી સાંસદ, 3 ધારાસભ્ય, સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકરો, આદિવાસી આગેવાનો, મહિલાઓ ભેગા થઈ વ્યારા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી, વેલણથી થાળી વગાડીને વિરોધ કર્યો હતો. રજૂઆત માટે કલેકટર ઓફિસમાં આવતા જ પોલીસે ગેટ બંધ કરીને ધારાસભ્યો સહિત આગેવાનોને અટકાવતા મામલો ગરમાયો હતો.
આખર જીદ સાથે વાંસદા ધારાસભ્ય અનંત પટેલ અને નિઝર ધારાસભ્ય સુનિલ ગામીત સહિત આગેવાનો ગેટ કૂદીને અંદર પ્રવેશ કરી થાળી વગાડીને કલેક્ટર કચેરીમાં પ્રવેશ કર્યો હતો. પ્રાંત અધિકારીને ઓફિસમાં મળ્યા બાદ, લોકોના પ્રશ્નો સાંભળવા પ્રાંત અધિકારીને કલેકટર કચેરીના આંગણામાં બોલાવ્યા હતા, જ્યાં પ્રશ્નોનોની રજૂઆત કરતા મામલો થાળે પડ્યો હતો. વ્યારા ખાતે આદિવાસી સમાજ દ્વારા પૂર્વ સાંસદ સભ્ય અમરસિંહ ઝેડ.ચૌધરી, વાંસદા ધારાસભ્ય અનંત પટેલ, વ્યારા ધારાસભ્ય પુનાજી ગામીત, ઉચ્છલ નિઝરના ધારાસભ્ય સુનિલ ગામીત, સોનગઢ તાલુકાના પ્રમુખ યુસુફભાઈ ગામીત તેમજ મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો તેમજ બેહેનોએ વેલણથી થાળી વગાડી વિરોધ કર્યો હતો. સરકારને જગડવા માટે તાપી કલેકટર કચેરીનો ઘેરાવ કર્યો હતો.
જેમાં આક્ષેપ કરતા જણાવ્યું કે સોનગઢ તાલુકાના અનેક ગામોમાંથી હાઈવે પસાર થાય છે. જેના કારણે આદિવાસીઓની જમીનોમાંથી હાઈવે લઈ જઈ જમીન હડપવાનું કામ રાજ્ય અને દેશની સરકાર કરી રહી હોય, ત્યારે આદિવાસી સમાજ કોઈપણ ભોગે જમીન આપવાની નથી.
આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહિ આપે, જેવા હુંકાર સાથે વિરોધ કરાયો હતો. આગેવાનોએ વિવિધ કચેરીઓ પાસે વેલણથી થાળી વગાડીને પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી. લોકો મોટી સંખ્યામાં આવ્યા હોય પ્રાંત અધિકારીને નીચે બોલાવ્યા હતા. પ્રાંત અધિકારી નીચે આવી રજૂઆત સાંભળી, લેખિતમાં કરેલી રજૂઆતોને સંબંધિત તંત્રમાં મોકલી આપવાની બાહેધારી આપી હતી.
કચેરીમાં જવાની શરૂઆત કરતાં જ પોલીસે અટકાવવા ગેટ બંધ કર્યા
વ્યારા કલેકટર કચેરીની બહાર આગેવાનો અને સમર્થકોએ 2 કલાક સુધી વેલણથી થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં તમામ લોકોએ કલેક્ટર કચેરીમાં જવાની શરૂઆત કરતાં જ પોલીસે અટકાવવા માટે ગેટ બંધ કર્યા હતા. બીજી તરફ ધારાસભ્યો અને અન્ય સમર્થકો ગેટની અંદર આવી જતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ ઉભુ થયું હતું. અંતે તમામ લોકો અંદર આવી ગયા હતા.
જમીન ન જાય તે માટે આવ્યા હતા
તાપી જિલ્લાના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરવા કલેકટર કચેરીએ આવ્યા હતા. વિવિધ પ્રોજેક્ટમાં મોટેભાગે આદિવાસીની વ્યક્તિઓની જમીનો જાય છે. તે ન જાય તે માટે રજૂઆતો કરવા આવ્યા હતા. તે દરમિયાન પોલીસ દ્વારા અમને અટકાવ્યા હતા. જે શરમજનક બાબત છે. આદિવાસીના પ્રશ્નો માટે છેલ્લે સુધી લડત ચાલુ રાખીશું. - પુનાજીભાઈ ગામીત, ધારાસભ્ય, વ્યારા
ખેડૂતોને જાણ વગર સરવે માટે આવ્યા
સોનગઢથી કપડવંજ સુધીનો જે નેશનલ હાઈવે સરકારે મંજૂર કર્યો છે. એના અનુસંધાને 12 તારીખે સર્વે માટે આવ્યા હતા. તે પણ ખેડૂતોને કંઈ પણ જાણ વગર આવતા સખત વિરોધ કર્યો હતો. એ બાબતે આજે પ્રાંત અધિકારી મળવા માટે આવ્યા હતા. ત્યારે અમને પોલીસવાળા અટકાવ્યા હતા. એ કેટલું યોગ્ય કેહવાય. અમારા વિસ્તારના આદિવાસી વ્યક્તિઓની એક પણ ઇંચનો જમીનનો ટુકડો અમે આપવા તૈયાર નથી. - સુનિલભાઈ ગામીત, ધારાસભ્ય, નીઝર
કલેક્ટર કચેરીમાં પ્રાંત અધિકારી પાસે લોક સુનાવણી કેમ ન રાખી
સાપુતારા કેવડિયા હાઇવેનાં સરવે સમયે ધારાસભ્ય સાથે યુસુફભાઈ અને આગેવાનો સ્થળ પર પહોંચ્યાને માપણી થવા ન દીધી હતી અને 20 તારીખે પ્રાંત અધિકારી પાસે લોક સુનાવણી કેમ ન રાખી એ માટે રજૂઆત કરવા આદિવાસી સમાજના આગેવાનો અને ખેડૂતો જઈ રહ્યા ત્યારે પોલીસે અટકાવ્યા પણ અમે ઘર્ષણ કરી અંદર પહોંચી રજૂઆતો કરી હતી. અમે કોઈ જમીન આપવાના નથી. જો જમીન લેવાની કેે માપણી કરવાની કોશિશ કરશે તો આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે. - અંનત પટેલ, ધારાસભ્ય, વાંસદા




.png)