મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. એને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સવારે 8થી 12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી છે.
આજે સવારથી જ પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરો પોતાના વિસ્તારમાં બંધ પાળવા માટે નીકળી ગયા છે. આજે સવારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની તમામ કોલેજો બંધ કરાવવાની શરૂઆત કરાઈ હતી. હાલમાં વાસદ બગોદરા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં NSUIના કાર્યકરોએ AMTS બસ અને ઇન્ડિયન ઓઇલની ટ્રક રોકી હતી. પોલીસ આવતા જ કાર્યકરો ભાગી ગયા હતા તો કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અટકાયત કરાઈ.

