છોટા ઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે. જેને લઇને પર પ્રાંતમાંથી દરરોજ વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે. પરંતુ નહીં પકડાયેલા દારૂ લોકો પી રહ્યા હોવાનો પુરાવો બોડેલી એસ.ટી. ડેપોમાં જોવા મળ્યો છે. બોડેલી એસ.ટી. ડેપોમાં કામ કરતા કર્મચારીઓ મોડી રાત્રે વિદેશી દારૂની ઓફિસમાં જ બેસીને મહેફિલ માણી રહ્યાં હોવાના વીડિયો વાઇરલ થયા છે. સમગ્ર બાબતે બોડેલી એસ.ટી. ડેપોના ઇન્ચાર્જ ડેપો મેનેજર એ.એચ.ચૌહાણને ટેલિફોન કરીને પૂછતા તેઓએ આ વીડિયો અંગે તપાસ શરૂ કરી છે. અને બોડેલી પોલીસને જાણવાજોગ ફરિયાદ આપીશુંની વાત કરી રહ્યાં છે.
દારૂની મહેફિલ માણતો વીડિયો વાઇરલ
આ વીડિયોમાં એક ખુરશીમાં એક આધેડ ઉંમરના વ્યક્તિ બંડી અને ખાખી કલરનું પેન્ટ પહેરીને ટેબલ પર દારૂનો ગ્લાસ ભરીને ચૂસકી લેતા તેમજ તને સાથ આપવા અન્ય એક વ્યક્તિ બાજુમાં બંડી પહેરીને કંઇક ખાતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. મહત્ત્વની વાત એ છે કે, ગુજરાતમાં દારૂબંધી ચાલી રહી છે. દરરોજ સેંકડો બોટલ દારૂ છોટા ઉદેપુર પોલીસ ઝડપી રહી છે. તેમ છતાં સરકારી કર્મચારી કચેરીમાં બેસીને ખુલ્લેઆમ કોઈપણ જાતના ડર વિના દારૂની મહેફિલ માણી રહ્યા છે.
ઇન્ચાર્જ ડેપો મેનેજર એ.એચ. ચૌહાણ સાથે વાતચીત
ઇન્ચાર્જ ડેપો મેનેજર એ.એચ. ચૌહાણે જણાવ્યું હતું કે, ગઈકાલે બોડેલી એસ.ટી. ડેપો ખાતે જે બનાવ બન્યો છે. તેના વીડિયો વાયરલ થયા છે. તેના અનુસંધાને જે તે કર્મચારીઓ જવાબદાર છે એની સામે પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી છે અને ઉપરી અધિકારીઓની સૂચના અને આદેશ અનુસાર એમની સામે ગંભીર પગલાં લેવા માટે રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે અને અહેવાલ પાઠવી દેવામાં આવ્યો છે. હાલ તો વીડિયોમાં 3 કર્મચારીઓ દેખાય છે. જેમાં 1નો ચહેરો દેખાતો નથી પણ તેની તપાસ કરીને કુલ 3 કર્મચારીઓ સામે ગંભીર પગલાં લેવા માટે રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે.
હજી સુધી કર્મચારી વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી નહીં
ત્યારે ગત રાત્રીના બોડેલી એસ.ટી. ડેપોમાં ચાલી રહેલી દારૂની મહેફિલની જાણ થતાં બોડેલી પોલીસ પણ એસ.ટી. ડેપો ખાતે આવી પહોંચી હતી. અને દારૂ પીતા કર્મચારીને રાત્રે જ પોલીસની ગાડીમાં લઈ જવામાં આવ્યા હતા. તેમ છતાં હજુ સુધી આવા નશેડી કર્મચારી વિરુદ્ધ કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરાતા અનેક સવાલો ઊઠી રહ્યા છે.




.png)