ખેતરમાં વીજ કનેક્શન માટે મહિલા તલાટીએ 1 લાખ માંગ્યા, લાંચનાં નાણાં આંગડિયાથી ગાંધીનગર મંગાવ્યાં, સુરત ACBના છટકામાં ભેરવાઈ ગયાં

0
સુરત એન્ટિ કરપ્શન બ્યુરોની ટીમે નવી મોડેસ ઓપરેન્ડીથી લાંચ લેતા સરકારી અધિકારીને ઝડપી પાડ્યા છે. નર્મદા જિલ્લાના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટી નીતા પટેલને જમીન માલિક પાસે રૂપિયા એક લાખની લાંચ લેવા બાબતે ઝડપી પાડી છે. ACBથી બચવા મહિલાએ લાંચની રકમ આંગડિયા મારફતે ગાંધીનગર ત્રાહિત વ્યક્તિને ત્યાં મંગાવી હતી. આ અંગેની જાણ જમીન માલિકે સુરત ACBમાં કરતા છટકું ગોઠવીને મહિલા અધિકારી અને એક ખાનગી વ્યક્તિને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


સરકારી બાબુની લાંચ માંગવાની નવી મોડેસ ઓપરેન્ડી
સરકારી કચેરીઓમાં આજે પણ તમારાં કામ પૂર્ણ કરવા માટે સરકારી બાબુઓને ખુશ કરવા લાંચ આપવી જ પડે છે. પરંતુ, આ સરકારી બાબુઓ પણ હવે હાઈટેક થયા છે. સીધી રીતે તેઓ લાંચ સ્વીકારવામાં ભેરવાઈ જશે તેવા ડરથી અવનવા પેંતરાઓ અપનાવી રહ્યા છે. સુરત ACBની ટીમે આવી જ નવી મોડેસ ઓપરેન્ડીથી લાંચ લેનાર મહિલા સરકારી અધિકારીને ઝડપી પાડી છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગ્રામ પંચાયતની તલાટી નીતા પટેલ સુરત ACBના છટકામાં ભેરવાઈ ગઈ છે.



નીતા પટેલ દ્વારા રૂપિયા એક લાખની લાંચ જમીન માલિક પાસે ખેતરમાં વીજ મીટર કનેક્શન અને ઘર નંબર મેળવવા માટે માંગવામાં આવી હતી. તલાટી નીતા પટેલે લાંચની રકમને હાથોહાથ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે આ લાંચ જમીન માલિક પાસે આંગડિયા વડે ગાંધીનગર ખાતે રહેતા મહેશભાઈ આહજોલિયા નામના વ્યક્તિને મોકલવા માટે જણાવ્યું હતું. જોકે, જમીન માલિક લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે સુરત ACBની ટીમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. કદાચ અત્યાર સુધીના લાંચમાં કિસ્સાઓમાં આંગડિયા મારફતે ત્રાહિત વ્યક્તિ સુધી લાંચની રકમ પહોંચાડવાનો આ ગુજરાતમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો હોવાનું માનવામાં આવે છે.

ACBના છટકામાં મહિલા તલાટી કર્મચારી ઝડપાઈ
જમીન માલિકની નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં ખેતીની જમીન આવેલી છે. જેઓ જમીનની દેખરેખ અને જમીનને લાગતી અન્ય કામગીરી સાંભળી રહ્યા છે, ત્યારે આ ખેતીની જમીનમાં ખેતીને અનુરૂપ બિયારણ, ખાતર વગેરે સરસામાન મૂકવા તેમજ મજૂરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવવામાં આવી છે. જેમાં વીજ મીટરની જરૂરિયાત હોવાથી નરખડી ગ્રામ પંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા અરજી કરવામાં આવી હતી. પરંતુ, આ અરજીની કાર્યવાહી આગળ વધતી ન હતી. આ કાર્યવાહી આગળ વધારવા માટે નરખડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલ દ્વારા જમીન માલિક પાસે રૂ 1 લાખની લાંચ માંગવામાં આવી હતી.

પોલીસે વચેટિયાની પણ ધરપકડ કરી
આ લાંચની માંગેલી રકમ આંગડિયા મારફતે ગાંધીનગરમાં રહેતા ત્રાહિત ખાનગી વ્યક્તિ મહેશ અમૃતભાઈ આહજોલિયાને આપવા જણાવ્યું હતું, ત્યારે આ અંગે જમીન માલિકે સુરત ACBની ટીમને જાણ કરી હતી. જમીન માલિકની ફરિયાદ મુજબ ACBએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ગાંધીનગર આંગડિયા ખાતેથી લંચની રકમ સ્વીકારનાર મહેશ આહજોલિયાને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. બાદમાં તેના આધારે નર્મદા જિલ્લાની મહિલા તલાટીની લાંચ માંગવાની સમગ્ર ચેઇનનો પર્દાફાશ કરીને ACBએ મહિલા સરકારી અધિકારી સહિત ખાનગી વ્યક્તિની એક લાખની લાંચ માંગવાના અને સ્વીકારવાના ગુનામાં ધરપકડ કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top