60નો દાયકો હતો. 1962માં ચીન સામેની હારને કારણે ભારતીય સેનાનું મનોબળ તૂટી ગયું હતું. દરમિયાન મે 1964માં વડાપ્રધાન જવાહરલાલ નેહરુના અવસાન બાદ ભારતીય રાજકારણમાં શૂન્યાવકાશ સર્જાયો હતો.
બીજી તરફ, પાકિસ્તાનમાં આર્મી ચીફ અયુબ ખાન ચૂંટાયેલી સરકારને Tથલાવીને રાષ્ટ્રપતિ બન્યા. તેની આંખોમાં કાશ્મીર ખટકતું હતું. જાન્યુઆરી 1965માં પાકિસ્તાની સેનાએ ગુજરાતના કચ્છમાં સિરક્રીક નજીક ભારતીય વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાનું શરૂ કર્યું.
8 એપ્રિલના રોજ, બંને દેશે એકબીજાની ચોકીઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું. પાકિસ્તાની સેનાએ ઓપરેશન ડેઝર્ટ હોક શરૂ કર્યું અને કાંજરકોટ કિલ્લાની સરહદ નજીક કેટલીક ભારતીય ચોકીઓ પર કબજો કર્યો.
જૂન 1965માં બ્રિટિશ પીએમ હેરાલ્ડ વિલ્સન આ વિવાદના ઉકેલ માટે બંને દેશને ટ્રિબ્યુનલ બનાવવા માટે સમજાવી લે છે. પાકિસ્તાને આને ભારતની નબળાઈ સમજી. આ સમય દરમિયાન અમેરિકાએ પાકિસ્તાનને 700 મિલિયન ડોલર એટલે કે લગભગ 5.6 હજાર કરોડ રૂપિયાની સૈન્ય સહાય અને આધુનિક હથિયારો આપ્યા હતા.
બીજી તરફ, ચીન પાસેથી હાર બાદ ભારત દુનિયા પાસેથી આધુનિક હથિયારો ખરીદી રહ્યું હતું, પરંતુ તેની ડિલિવરી હજુ થઈ નહોતી. આવી સ્થિતિમાં અતિઆત્મવિશ્વાસ ધરાવતા અયુબને લાગ્યું કે ભારત પાસેથી કાશ્મીર છીનવી લેવાનો આ યોગ્ય સમય છે. જો એમાં વિલંબ થશે તો ભારત વધુ શક્તિશાળી બનશે.
આજે 23 સપ્ટેમ્બર છે, આ જ દિવસે બંને દેશેએ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965ના યુદ્ધની વાત જણાવી રહ્યા છીએ.
જોઈએ કે લશ્કરી શક્તિમાં પાકિસ્તાન ભારત કરતાં કેટલું મજબૂત હતું…
ઓપરેશન જિબ્રાલ્ટરની શરૂઆત
અયુબ ખાને કાશ્મીર કબજે કરવા માટે ઓપરેશન જિબ્રાલ્ટર શરૂ કર્યું. વાસ્તવમાં સ્પેનમાં જિબ્રાલ્ટર નામનો નાનો ટાપુ છે. જ્યારે આરબ દેશોની સેનાઓ યુરોપને જીતવા માટે પશ્ચિમ તરફ આગળ વધી, ત્યારે તેમનો પ્રથમ પડાવ જિબ્રાલ્ટર હતું. અહીંથી આગળ વધીને અરબી સેનાએ આખું સ્પેન જીતી લીધું હતું. પાકિસ્તાનને લાગ્યું કે એકવાર તે ભારતના જિબ્રાલ્ટર (કાશ્મીર) પર કબજો કરી લેશે તો તે ભારતને હરાવી દેશે.
33 હજાર પાકિસ્તાની સૈનિકે કાશ્મીરીઓ તરીકે એલઓસી પાર કરી
5 ઓગસ્ટ, 1965ના રોજ પાકિસ્તાનના લગભગ 33 હજાર સૈનિક કાશ્મીરીઓના રૂપમાં એલઓસી પાર કરે છે. આ જવાનોનો પહેરવેશ અને રહેવાની શૈલી કાશ્મીરીઓ જેવી હતી. હેતુ- કાશ્મીરના વ્યૂહાત્મક બિંદુઓ જેમ કે પુલ, પોસ્ટ ઓફિસ, ટેલિફોન ઓફિસ, કોમ્યુનિકેશન નેટવર્ક અને સરકારી કચેરીઓ પર કબજો કરવો.
આ સાથે કાશ્મીરીઓને ભારત સરકાર સામે ઊભા રહેવા માટે ઉશ્કેરવાની સાથે, પણ અયુબનો દાવ ઊલટો પડી ગયો. કાશ્મીરીઓએ આ પાકિસ્તાની સૈનિકોને ઓળખી લીધા અને 15 ઓગસ્ટ 1965ના રોજ ભારતીય સેનાને આ માહિતી આપી દીધી.
જિબ્રાલ્ટરની નિષ્ફળતા બાદ ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ શરૂ થયું
ભારતીય સેનાએ શરૂઆતમાં જ ઘણા લડવૈયાઓની ધરપકડ કરી હતી. ખાસ કમાન્ડોને આ લડવૈયાઓને પકડવાની કે મારી નાખવાની જવાબદારી આપવામાં આવી હતી. પાકિસ્તાનને લાગ્યું કે તેની યોજના નિષ્ફળ જશે, તેથી તેણે ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ શરૂ કર્યું.
1 સપ્ટેમ્બર, 1965ની સાંજે 4 વાગ્યે. દિલ્હીના સાઉથ બ્લોકના રૂમ નંબર 108માં હંગામો થયો હતો. તત્કાલીન સંરક્ષણમંત્રી યશવંત રાવ ચવ્હાણ અહીં રહેતા હતા. આર્મી ચીફ ચૌધરી અને એરફોર્સ ચીફ અર્જન સિંહ જ્યારે પ્રવેશ્યા ત્યારે તેઓ તેમની ઓફિસમાં કામ કરી રહ્યા હતા. સંરક્ષણ સચિવ ત્યાં પહેલાંથી જ હાજર હતા.
તેઓ કહેવા લાગ્યા કે યુદ્ધ શરૂ થઈ ગયું છે. રિપોર્ટ હમણાં જ આવ્યો છે. છમ્બ સેક્ટરમાં પાકિસ્તાની સેના ભારત તરફ આગળ વધી રહી છે. તેમણે ચવ્હાણને કહ્યું- આપણે જવાબ આપવો પડશે. મોડું થશે તો રાત થઈ જશે અને આપણી સેના રાત્રે લડવા તૈયાર નથી. સેના જમ્મુમાં છે અને તેને સરહદ સુધી લઈ જવામાં સમય લાગશે.
અર્જન સિંહે કહ્યું- એર ઓપરેશન.
ચવ્હાણે પૂછ્યું- શું તમને એર ઓપરેશન પર વિશ્વાસ છે?
અર્જન સિંહે કહ્યું- એટલા માટે જ એરફોર્સ છે. જો તમે ઓર્ડર આપો તો અમે તૈયાર છીએ.
ચવ્હાણે કહ્યું કે કેટલો સમય લાગશે?
અર્જનનો જવાબ આવ્યો – 5 મિનિટમાં ઓર્ડરની જરૂર છે.
આ પછી ચવ્હાણ વડાપ્રધાન શાસ્ત્રીને મળવા ગયા, પરંતુ એ સમયે તેઓ સંસદમાં હતા. તેઓ તરત જ પાછા ફર્યા અને અર્જન સિંહને કહ્યું - હું એરફોર્સને છમ્બ સેક્ટરમાં હુમલો કરવાનો આદેશ આપું છું. સંરક્ષણ સચિવ પીવીઆર રાવે મૌખિક આદેશ રેકોર્ડ કર્યો.
સમય સાંજે 4.45નો હતો. બરાબર એક કલાક પછી, 5:45 મિનિટે, 8 ભારતીય વેમ્પાયર વિમાનોએ પઠાણકોટ એરબેઝ પરથી ઉડાન ભરી. અહીંથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965નું યુદ્ધ ઔપચારિક રીતે શરૂ થયું હતું.
ઓપરેશન ગ્રાન્ડ સ્લેમનો ઉદ્દેશ અખનૂરને કબજે કરવાનો હતો અને પૂંચ અને રાજૌરીથી ભારતને અલગ કરી નાખવાનો હતો, પરંતુ ભારતીય વાયુસેનાના હુમલા દ્વારા તેને નિષ્ફળ કરવામાં આવ્યો હતો.
લાહોર પર કબજો કરવા માટે ભારતીય સેનાએ ઓપરેશન બેંગલ શરૂ કર્યું
તે 1લી સપ્ટેમ્બર 1965ની રાત હતી. રાતના 11.45 વાગ્યા હતા. વડાપ્રધાન કાર્યાલય 10 જનપથમાં, તત્કાલીન પીએમ લાલ બહાદુર શાસ્ત્રી તેમના ઓફિસ રૂમમાં ઝડપથી ચાલતા જતા કંઈક વિચારી રહ્યા હતા. એ સમયે શાસ્ત્રીના સેક્રેટરી રહેલા સીપી શ્રીવાસ્તવે પોતાના પુસ્તક 'અ લાઈફ ઓફ ટ્રુથ ઈન પોલિટિક્સ'માં લખ્યું છે - 'શાસ્ત્રી જ્યારે કોઈ મોટો નિર્ણય લેવો હોય ત્યારે જ આ રીતે ઝડપથી ચાલતા હતા. એ સમયે તેમણે ગણગણાટ કર્યો અને કહ્યું - હવે કંઈક કરવું પડશે.
આ પછી, 2 અને 3 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન શાસ્ત્રીએ કેબિનેટની બેઠક બોલાવી અને પાકિસ્તાન પર હુમલો કરવાની યોજના અમલમાં મૂકી, એટલે કે અખનૂરમાં પાકિસ્તાનના હુમલાનું દબાણ ઓછું કરવા માટે ભારતે નવો મોરચો ખોલવાનો નિર્ણય કર્યો.
શરૂઆતમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 7 સપ્ટેમ્બરના રોજ સવારે 4 વાગ્યે હુમલો કરવામાં આવશે, પરંતુ પશ્ચિમ ઝોનના કમાન્ડર-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ હરબખ્શ સિંઘે 24 કલાક વહેલા એટલે કે 6 સપ્ટેમ્બરે આગળ વધવાનું નક્કી કર્યું. આ સમગ્ર ઓપરેશનનો કોડ વર્ડ હતો 'બેંગલ'.
જનરલ હરબક્ષ સિંહ શિમલામાં પહેલાંથી જ આયોજિત કાર્યક્રમમાં સામેલ થયા, જેથી પાકિસ્તાનને તેના વિશે કોઈ ખ્યાલ ન આવે. કાર્યક્રમ પૂરો થતાં જ તેઓ હેલિકોપ્ટર દ્વારા બોર્ડર પર પહોંચ્યા હતા. સૌથી પહેલા તેણે અમૃતસરમાં કર્ફ્યૂ લાદવાનો આદેશ આપ્યો. આ પછી નિયત સમયે ભારતીય સેનાએ 4 સ્થળેથી પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો અને થોડા કલાકોમાં ડોગરાઈના ઉત્તરમાં ભસીન, દૌગૈચ અને વાહગ્રિયાન કબજે કરી લીધા.
જ્યારે અબ્દુલ હમીદે પાકિસ્તાનની 8 પેટન ટેન્કનો નાશ કર્યો
7 સપ્ટેમ્બર 1965 સુધીમાં, ખેમ કરણ ખાતે પાકિસ્તાની સેનાને રોકવા માટે સેનાએ 'અસલ ઉત્તર'માં રક્ષણાત્મક પોઝિશન લીધી હતી. આ દરમિયાન પાકિસ્તાનની 100 પેટન ટેન્કોએ પહેલો હુમલો કર્યો. ત્યાર બાદ 8 સપ્ટેમ્બર 1965ના રોજ અબ્દુલ હમીદ જીપમાં ડ્રાઈવરની સીટ પર ચીમા ગામની બહાર શેરડીના ખેતરો વચ્ચે બેઠા હતા. ત્યારે તેમણે પાકિસ્તાની ટેન્કનો અવાજ સાંભળ્યો.
થોડીવાર પછી ટેન્કો દેખાવા લાગી. તેમણે તેની રિકોઈલેસ બંદૂકની રેન્જમાં ટેન્ક આવવાની રાહ જોઈ. અને જેવી ટેન્ક તેમની બંદૂકોની રેન્જમાં આવી કે તેમણે ફાયર કર્યું. અમેરિકન પેટન ટેન્ક સળગવા લાગી અને તેમાં સવાર પાકિસ્તાની સૈનિકો તેને છોડીને ભાગવા લાગ્યા.
એ લડાઈમાં ભાગ લેનાર કર્નલ રસૂલ ખાન કહે છે કે 106 mm RCLની રેન્જ 500-600 ગજ હોય છે. તે ખૂબ જ અસરકારક હોય છે. જો એનો વાર થાય તો ટેન્ક ટકી શકતી નથી, પરંતુ ખરાબ બાબત એ છે કે તે માત્ર એક કે બે અથવા વધુમાં વધુ ત્રણ ફાયર કરી શકે છે. આમ છતાં હમીદે એ જ દિવસે પાકિસ્તાનની બીજી પેટન ટેન્કને પણ નષ્ટ કરી દીધી.
10 સપ્ટેમ્બરે પાકિસ્તાનીઓએ ભારે તોપમારો શરૂ કર્યો. ત્યાર બાદ હમીદની નજર ટેન્ક પર પડી જ્યારે તે એનાથી 180 મીટર દૂર હતી. તેમણે ટેન્કને નજીક આવવા દીધી અને પછી તેના સચોટ વાર કર્યો. ટેન્ક સળગવા લાગી. હમીદે જલદીથી તેની જીપ બીજી બાજુ ખસેડી જેથી તેનું સ્થાન અન્ય પાકિસ્તાની ટેન્કો દ્વારા શોધી ન શકાય.
આ પછી હમીદે પાછળથી નિશાન લગાવ્યું અને બીજી ટેન્કને નષ્ટ કરી. આ પછી તેઓ ત્રીજી ટેન્કને નિશાન બનાવી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સૈનિકે તેમને જોયા. બંનેએ એકસાથે ટ્રિગર દબાવ્યું. બે ગોળાઓ છૂટ્યા. હમીદનો શેલ ટેન્કને અથડાયો અને ટેન્કના શેલથી હમીદની જીપ ઊડી ગઈ. જતા જતા પણ હમીદે પાકિસ્તાની ટેન્કનો નાશ કર્યો.
યુદ્ધ દરમિયાન હમીદે પાકિસ્તાનની 8 પેટન ટેન્કનો નાશ કર્યો હતો.
'મૃત કે જીવિત, ડોગરાઈમાં મળવું પડશે'
ડોગરાઈ લાહોરથી થોડાક કિલોમીટર દૂર છે. ડોગરાઈ પાકિસ્તાન માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે. કારણ છે જીટી ટ્રંક રોડ, જે દિલ્હી-અમૃતસરથી લાહોર જાય છે. ડોગરાઈમાં જીટી ટ્રંક રોડની વચ્ચે ઈચ્છોગીલ કેનાલ છે. એને 1950માં પાકિસ્તાન આર્મી દ્વારા બનાવવામાં આવી હતી. જેથી અહીંથી લાહોર જતો રસ્તો બ્લોક કરી શકાય.
6 સપ્ટેમ્બર 1965ના રોજ સવારે 9 વાગ્યે 3 બટાલિયન જાટ રેજિમેન્ટે ઈચ્છોગીલ કેનાલ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. પાકિસ્તાની વાયુસેનાના ભારે બોમ્બમારાથી જાટ રેજિમેન્ટ તેના ભારે હથિયારો ગુમાવી બેઠી હતી. આ બધું હોવા છતાં 11 વાગ્યા સુધીમાં તેઓએ નહેરના પશ્ચિમ કાંઠે બાટાનગર અને પછી ડોગરાઈ પર કબજો કર્યો, એટલે કે ભારતીય સેના લાહોર પર હુમલો કરવા તૈયાર હતી. બીજી તરફ પાકિસ્તાની એરફોર્સનો હુમલો ચાલુ રહ્યો.
બીજી તરફ, 3 જાટને સમયસર લોજિસ્ટિક્સ અને હથિયારો મળી શક્યા ન હતા. ભારતીય વાયુસેના પણ મદદ કરી શકી નહીં. આની અસર એ થઈ કે ભારતીય સૈન્યને ડોગરાઈથી પીછેહઠ કરવી પડી અને સંતપુરામાં પોઝિશન લેવી પડી. પાકિસ્તાને ઈચ્છગીલ કેનાલ પર ફરી કબજો જમાવ્યો. આ પછી ભારતીય સેનાએ ડોગરાઈને કબજે કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં.
3 જાટને કમાન્ડ કરી રહેલા લેફ્ટનન્ટ કર્નલ ડેસમન્ડ હાઇડે, 21 સપ્ટેમ્બરની રાત્રે ડોગરાઈ પર હુમલો કરવાની યોજના બનાવી. હાઇડે તેમના સૈનિકોને કહ્યું - એકપણ સૈનિક પીછેહઠ કરશે નહીં. બીજું, મૃત કે જીવિતને ડોગરાઈમાં મળવાનું છે.
એ સમયે પાકિસ્તાને તેની બે કંપની ડોગરાઈમાં તહેનાત કરી હતી. નંબર 13ના માઈલસ્ટોન પર વધુ બે કંપનીઓ હાજર રહી હતી. કેનાલના મુખ પર દરેક પગથિયે આઠ મશીનગન ગોઠવવામાં આવી હતી. ભારતના 550 સૈનિકની સામે પાકિસ્તાનની સેનાની બમણી સંખ્યા હતી.
હાઇડે અહેવાલ આપ્યો કે 54 ઇન્ફન્ટ્રી બ્રિગેડે બે તબક્કામાં હુમલાની યોજના બનાવી હતી. પહેલા 13 પંજાબે 13મા માઈલસ્ટોન પર પાકિસ્તાની કંપનીઓને પાછળ ધકેલવાની હતી અને પછી 3 જાટે ડોગરાઈ પર હુમલો કરીને તેને કબજે કરવાનો હતો.
હાઈડે બ્રિગેડ કમાન્ડરને પહેલેથી જ કહ્યું હતું કે 13 પંજાબનો હુમલો સફળ રહે કે નહીં, 3 જાટ બીજા તબક્કાને પૂર્ણ કરશે. 13 પંજાબનો હુમલો અસફળ રહ્યો હતો અને બ્રિગેડ કમાન્ડરે હાઈડને વાયરલેસથી એ રાત્રે હુમલો બંધ કરવા કહ્યું હતું.
હુમલો બપોરે 1.40 વાગ્યે શરૂ થયો હતો. ડોગરાઈની હદમાં પાકિસ્તાનીઓએ સિમેન્ટના બનેલા પિલ બોક્સમાંથી મશીનગનથી ઉગ્ર હુમલો કર્યો.
સુબેદાર પાલે રામે કહ્યું કે તમામ જવાનો મારી સાથે જમણી બાજુથી ચાર્જ સંભાળશે. કેપ્ટન કપિલ સિંહ થાપાની પ્લાટુને પણ લગભગ એક સાથે ચાર્જ કર્યું. ગોળી વાગ્યા બાદ જેઓ પડી ગયા હતા તેઓને ત્યાં છોડી દેવામાં આવ્યા હતા. પાલે રામને છાતી અને પેટમાં 6 ગોળી વાગી હતી, પરંતુ તેમ છતાં તેમણે તેમના સૈનિકોને આદેશ આપવાનું ચાલુ રાખ્યું હતું. બંદૂકો અને બોમ્બથી જે લડાઈ શરૂ થઈ હતી તે ટૂંક સમયમાં ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ.
3 જાટે પાકિસ્તાની સેનાના કમાન્ડર કર્નલ ગોલવાલા, તેના બેટરી કમાન્ડર સહિત 108 લોકોને જીવતા પકડી લીધા. આ દરમિયાન પાકિસ્તાનના 308 જવાનો શહીદ થયા હતા. ભારતના 108 સૈનિકોમાંથી 86 શહીદ થયા હતા. ભારતે 22મી તારીખે સવારે 5.30 કલાકે ડોગરાઈ પર કબજો કર્યો હતો. પછીના એક દિવસ સુધી, ભારતીય સેનાએ ડોગરાઈથી લાહોર પર ગોળાબારી ચાલુ રાખી હતી.
યુએન સિક્યુરિટી કાઉન્સિલને હસ્તક્ષેપ કરવો પડ્યો
23 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે હસ્તક્ષેપ કરવો પડ્યો. આ પછી બંને દેશોએ યુદ્ધવિરામની જાહેરાત કરી અને યુદ્ધ સમાપ્ત થયું. આ પછી યુદ્ધમાં કેટલું નુકસાન થયું હતું તેનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.
આખરે કોણ જીત્યું
ભારતે 1920 સ્ક્વેર કિલોમીટર અને પાકિસ્તાને 540 સ્ક્વેર કિલોમીટર જમીન પર કબજો જમાવ્યો હતો. ભારતના 2,735 સૈનિકો અને પાકિસ્તાનના 5,988 સૈનિકો માર્યા ગયા હતા. બંને દેશોએ જીતનો દાવો કર્યો હતો, પરંતુ સંરક્ષણ નિષ્ણાતોના મતે, બંને દેશો તેમના લશ્કરી ઉદ્દેશ્યો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
પાકિસ્તાનના પ્રમુખ અયુબ એટલા નિરાશ થઈ ગયા કે તેમણે કેબિનેટની બેઠકમાં કહ્યું કે હું ઈચ્છું છું કે તે સમજી લેવામાં આવે કે પાકિસ્તાન 50 લાખ કાશ્મીરીઓની ખાતર 10 કરોડ પાકિસ્તાનીઓના જીવને ક્યારેય જોખમમાં નહીં મૂકે...ક્યારેય નહીં.



.png)