વાહનચાલકો પાસે સ્થળ પર જ દંડ વસૂલી લેતી પોલીસ પોતાની ફરજમાં બેદરકારી માટે અધિકારીઓએ ફટકારેલો દંડ સમયસર ભરતી નથી. એક આરટીઆઈ એક્ટિવીસ્ટે માંગેલી માહિતીમાં આ વાત સામે આવી છે. છેલ્લા 3 વર્ષમાં શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પૈકી 6442થી વધુ કર્મચારીઓને ફરજમાં બેદરકારી સહિતનાં કારણોસર નોટીસ ફટકારવામાં આવી હતી, જેમાં દંડની કુલ રકમ પૈકી માત્ર 50 ટકા જ ભરવામાં આવી હોવાનું ખૂલ્યું છે.
સામાજિક કાર્યકર્તા અને RTI એક્ટીવીસ્ટ સંજય ઇઝાવાને મળેલ માહિતી મુજબ ઝોન-1, 2, 3 અને ટ્રાફિક શાખામાં વર્ષ 2019માં 3151, 2020માં 1818 અને વર્ષ 2021માં 2555 જવાનોને ફરજ પર બેદરકારી બદલ નોટીસ ફટકારાઈ છે. ઝોન -1માં 3 વર્ષમાં 33,32,850 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાં કર્મચારીઓની સુનાવણી બાદ આખરી હુકમ મુજબ દંડની રકમ 18,10,000 થઈ હતી. જેમાંથી રૂ. 9,13,374 અલગ-અલગ પોલીસ સ્ટેશને દંડ સ્વીકાર્યો છે. RTIની માહિતી મુજબ હજુ આ ૩ વર્ષના આખરી દંડની રકમની 50 ટકા રકમ જ વસૂલવામાં આવી છે.
ઝોન-3 અને ઝોન-4એ માહિતી જ ન આપી
ઝોન-3માં 3 વર્ષ દરમિયાન ફરજમાં બેદરકારી બદલ કુલ 1555 નોટીસ અપાઈ છે. માહિતી અધિકાર અધિનિયમની છટકબારીનો ઉપયોગ કરીને ઝોન -૩ ના નાયબ પોલીસ કમિશ્નરે રકમ અંગે કોઈ માહિતી આપી નથી. જ્યારે ઝોન-4માં માહિતી આપવાનો ઇનકાર કરાયો હતો. ઝોન -3 અને 4ના પ્રથમ અપીલ અધિકારી એવા અધિક પોલીસ કમિશ્નરે પણ માહિતી આપવાનું નકારી દીધું હતું.
ઝોન-2માં 6.60 લાખ દંડની વસૂલાત કરાઈ
ઝોન -2માં 3 વર્ષ દરમિયાન ફરજમાં બેદરકારી બદલ કુલ 2373 જેટલી નોટીસ પાઠવવામાં આવી છે. જે અંગે થયેલા આખરી હુકમ પૈકી રૂ. 6,60,100 ઝોન-2ના અલગ-અલગ પોલીસ સ્ટેશનો દ્વારા વસૂલવામાં આવ્યા છે.
કમિશ્નર, DGPએ સ્પેશિયલ ટીમ બનાવીને તપાસ કરાવવી જોઈએ
ઉચ્ચ અધિકારીઓ મોટી રકમની નોટીસ પાઠવી ડરાવે છે, ત્યાર પછી હિયરીંગમાં કર્મચારીઓ પાસેથી ગેરકાયદેરકમ વસૂલીને પોતાનાં ખિસ્સાં ભરીને રકમ ઓછી કરી દેવામાં આવે છે. મને આવું જાણવા મળતાં અરજી કરી માહિતી માંગી હતી. કર્મચારીઓના શોષણની વાત કેટલી સાચી છે, અધિકારીઓ આ પ્રકારના દંડની માહિતી આપવાનું ટાળે છે. આ અંગે પોલીસ કમિશ્નર અને ડી.જી.પી.એ સ્પેશિયલ ટીમની નિમણુક કરીને તપાસ હાથ ધરવી જોઈએ.” > સંજય ઇઝાવા, RTI એક્ટીવીસ્ટ.


.png)