આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી વિરાટ તિરંગા યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી મનિષાબેન વકીલની ઉપસ્થિતિમાં પોલો ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવી હતી. અને આ તિરંગા યાત્રામાં હાથમાં તિરંગા લઇને પદયાત્રા કરી હતી. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હાથમાં તિરંગા લઇ જોડાયેલા લોકોએ ભારત માતા કી જય, વંદે માતરમના લગાવેલા નારાથી સમગ્ર શહેર દેશભક્તિમાં તરબતર થઇ ગયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ નાગરિકોને દેશ માટે સમર્પિત થવાનો જુસ્સો કાયમી રાખવાનું આહ્વાન કર્યું હતું.
આઝાદી અપાવવા માટે અનેક લોકોએ પ્રાણની આહૂતી આપી છે
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઉજાગર કર્યું છે, ત્યારે આપણે સૌ સહિયારા પ્રયાસો થકી દેશને વિકાસના ઉચ્ચત્તમ શીખરો સુધી લઇ જવા સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ. તેમણે ઉમેર્યું કે, હવે દેશ માટે જીવવાનું છે. દેશ માટે સારી રીતે જીવી શકાય તે માટેનો અમૃતકાળ ચાલી રહ્યો છે. દેશને આઝાદી અપાવવા માટે અનેક લોકોએ પોતાના પ્રાણની આહૂતિ આપી હતી. હવે આ કાળમાં દેશ માટે કશું કરી જીવવાનો અવસર છે.
તા.13 થી 15 ઓગષ્ટ દરમિયાન પોતાના ઘરમાં તિરંગો લગાવવા લોકોને અપિલ
સાંસ્કૃતિક, ધાર્મિક અને પ્રાંતીય વિશેષતાઓને આધારે આપણા દેશમાં અનેક પ્રકારના તહેવારો જુદીજુદી રીતે મનાવવામાં આવે છે. પણ, આ રાષ્ટ્રીય પર્વ કોઇ પણ નાતિ, જાતિ, ધર્મ કે પ્રદેશના બંધનો વીના માત્ર દેશપ્રેમ સાથે તમામ લોકો ઉત્સાહપૂર્વક ઉજવે છે. તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન હેઠળ તા. 13 થી 15 ઓગસ્ટ દરમિયાન પ્રત્યેક ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે આહ્વાન કર્યું છે. ગુજરાત આ આહ્વાનને ઝીલીને અદ્દભૂત ઉત્સાહ દર્શાવી રહ્યું છે. નાગરિકોમાં આ અભિયાન પ્રત્યે ખૂબ જ હોંશ જોવા મળી રહ્યો છે.



.png)