ઉચ્છલ તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિતરણ કરવામાં આવતી ખેતી પાકમાં નાખવાની દવા એક્સપાઈરી ડેટની આપવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. જોકે, બાદમાં જવાબદાર કર્મચારીએ દવા પરત લઈ રૂપિયા પાછા આપી દેતાં મામલો થાળે પડ્યો હતો. ખેડૂતોએ સમગ્ર બનાવ અંગે તપાસની માગ કરી હતી.
ઉચ્છલના કાટિશકુવા ગામે રહેતાં ગુજાભાઈ હોલ્યાભાઈ વસાવા ગામમાં નાનકડી ખેતીની જમીન ધરાવે છે અને તેમાં હાલમાં કપાસના પાકનું વાવેતર કર્યું છે. હાલ તેમના ખેતરમાં રહેલ કપાસના પાકના સંરક્ષણ માટે દવાની જરૂર હોવાથી તેઓએ શુક્રવારે ઉચ્છલ ખેતી વાડી વિભાગનો સંપર્ક કર્યો હતો અને ત્યાંથી કપાસના પાક પર છાંટવા માટે જુદીજુદી દવાની બે બોટલ રૂપિયા 450 રોકડા ચૂકવી મેળવી હતી.
આ દવા ખરીદી બાબતે વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું રોકડ બિલ કે કાચું લખાણ આપવામાં આવ્યું ન હતું. તેઓ ખેતીવાડી વિભાગમાંથી બહાર આવી દવાની બંને બોટલની ચકાસણી કરતાં એક દવા 7/2020 માં તૈયાર કરવામાં આવી હતી અને તેની એક્સપાઈરી ડેટ 7/2022 હતી, જ્યારે બીજી બોટલ 29/5/21 એ બની હતી અને 28/5/22 ના રોજ તેની વેલીડિટી પુરી થઈ ગઈ હતી.
આમ કપાસમાં નાખવાની ખેતી પાકની બંને દવા એક્સપાઈરી ડેટની હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે ખેડૂત અને મનીષભાઈ નામના જાગૃત નાગરિકે ખેતી વાડી વિભાગનો સંપર્ક કરી માહિતી જાણવા પ્રયત્ન કરતાં ઉપસ્થિત સ્ટાફ દ્વારા ખેડૂત પાસે દવા પરત લઈ તેમની પાસે લીધેલા દવાના 450 રૂપિયા પરત કરી દેવામાં આવ્યાં હતાં.
એમણે કર્મચારીઓને હવે ક્યારે નવી દવા મળશે એવો પ્રશ્ન છોટુભાઈ નામના કર્મચારીને પૂછતાં તેમણે જણાવ્યું કે હવે માત્ર નિમ ઓઇલનો જ સ્ટોક આવશે. બીજી દવા આવશે કે નહીં તે નક્કી નથી. આમ આ ખેતી પાકમાં વપરાશમાં લેવામાં આવતી દવાઓ સ્થાનિક ખેડૂતોને એક્સપાઈરી ડેટની પધારવાની પાછળ કર્મચારીઓની મનસા શુ હોઈ શકે અને આ પહેલાં કેટલાં ખેડૂતોને આવી બિન ઉપયોગી દવા ભેરવી દઈ આર્થિક નુકસાન કર્યું છે. એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માગ થઇ છે.
.jpg)

.png)