વલસાડ જિલ્લામાં જૂલાઇ માસમાં ઉપરવાસના અતિભારે વરસાદથી ભારે ખાનાખરાબી સર્જાઇ હતી.વલસાડ જિલ્લાના અંતરિયાળ ધરમપુર તાલુકામાં સતત ધોધમાર વરસાદના કારણે તાન માન અને ઔરંગાનદીમાં સતત 4 વખત પૂર આવતાં વલસાડ શહેરને તેની ગંભીર અસરનો સામનો કરવો પડ્યો હતો.વલસાડના મધ્યેથી વહેતી ઔરંગાનદીના રેલના પાણી નીચાણવાળા વિસ્તારો અને ભારે વરસાદથી શહેરના માર્ગોને નુકસાન પહોંચ્યું હતું.જેના કારણે વાહનચાલકો અને શહેરીજનો,રાહદારીઓને વિવિધ માર્ગો પર ઠેર ઠેર ખાડાઓ પડી જવાના કારણે ભારે યાતના ભોગવવાનો વારો આવ્યો છે.
નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન અમિષભાઇ પટેલ,કારોબારી ચેરમેન,સમિતિ સભ્યો,પાલિકાના કાઉન્સિલરો સહિત આ રસ્તાઓની મરામત માટે કાર્યવાહી કરવા કવાયત હાથ ધરાઇ હતી.જેના પગલે તાત્કાલિક રાહત માટે શાસકોએ કેટલાક સ્થળોએ રસ્તા પર પૂરાણ કરાવ્યું પરંતું તેમાં વરસાદના કારણે ફરી ખાડા યથાવત રહેતા હાલાકી યથાવત રહી છે.હાલમાં વરસાદી માહોલ જારી છે અને હજી ચોમાસું આગળ ધપી રહ્યું છે ત્યારે પાલિકાએ શહેરના આ રસ્તાઓની મરામત માટે રૂ.35 લાખના ખર્ચે મરામત કરાવવાનો નિર્ણય કર્યો છે.જેની પ્રાથમિક અને પૂર્વ પ્રક્રિયા પૂર્ણ કરી દેવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે.જેના કારણે ચોમાસું જેવું પુરૂં થાય તેની સાથે આ કામો શરૂ કરવામાં સરળતા રહે તેવું આયોજન કરાઇ રહ્યું છે.


.png)