રેલવેની નોકરી મેળવવા બિહારના ઉમેદવારે ધગધગતા તવામાં પોતાનો અંગુઠો મૂકી ચામડી કાઢી નાખી, ડમી ઉમેદવારના અંગુઠા પર લગાવી

News 16
0
વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા અનંતા ટ્રેડર્સ ખાતેના સેન્ટરમાં રેલવે રિક્રુટમેન્ટની ઓનલાઇન પરિક્ષા દરમિયાન બોગસ ઉમેદવાર ઝડપાતા ટીસીએસ કંપનીના અધિકારીએ બોગસ ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લક્ષ્મીપુરા પોલીસે ડમી ઉમેદવાર તેમજ અસલી ઉમેદવારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. રેલવેની નોકરી મેળવવા માટે અસલી ઉમેદવારે પોતાનો અંગુઠો ધગધગતા તવા ઉપર મૂકી ફોલ્લો થયા બાદ ચામડી કાઢી હતી અને પરિક્ષા આપનાર ડમી ઉમેદવારના અંગુઠા ઉપર લગાવી હતી. રેલવેમાં નોકરી મેળવવા માટે બિહારના યુવાનો દ્વારા આચરવામાં આવેલી મોડસ ઓપરેન્ડી સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.




અગાઉ ક્યાં ક્યાં પરિક્ષા આપી તે દિશામાં તપાસ શરૂ કરી
ઝડપાયેલા બોગસ પરિક્ષાર્થીએ અગાઉ આ રીતે કેટલી પરિક્ષા આપી છે અને કયા કયા વિભાગની પરિક્ષા આપી છે, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

રેલવે રિક્રુટમેન્ટ લેવલ એકની પરીક્ષા હતી
લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ટી.સી.એસ. એ (ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ) નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વડોદરા જિલ્લાના વાસણા કોતરિયા ખાતે રહેતા જસ્મીનકુમાર ગજ્જર ટીસીએસ (ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ )માં ઓપરેશન એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, કંપનીમાં ઓનલાઇન રેલવે, બેંક સ્ટાફ, સિલેક્શન બોર્ડ, ઓએનજીસીમાં રિક્રુટમેન્ટની પરીક્ષા યોજાતી હોય છે. આઈ ઓ એન ડિજિટલ જોન આઈડીઝેડ ટુ અનંતા ટ્રેડર્સ સેન્ટર ખાતે સોમવારે રેલવે રિક્રુટમેન્ટ લેવલ એકની પરીક્ષા યોજાઇ હતી.

બોગસ ઉમેદવાર ઝડપાયા બાદ અસલી ઉમેદવાર ઝડપાયો
આ અંગેની માહિતી આપતા ACP એસ.એમ. વારોતરીયાએ જણાવ્યું હતું કે, પરિક્ષા નિરીક્ષક અખિલેન્દ્રસિંહ સિકવિઝન ડિવાઇસ મારફતે વિદ્યાર્થીઓનું વેરિફિકેશન કરી રહ્યા હતા. તે સમયે ઉમેદવાર મનીષકુમાર શંભુપ્રસાદની ફિંગર પ્રિન્ટનું વેરિફિકેશન થયું ન હતું. બીજા વેરીફિકેશનના ત્રીજા ટ્રાયલમાં ઉમેદવારના અંગુઠા ઉપર સેનેટાઇઝર લગાવતા તેના અંગુઠાની ચામડી નીકળી ગઇ હતી. બનાવ સંદર્ભે તેઓએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ઉમેદવારની પૂછપરછ કરતા મનીષ કુમારના નામે આવેલ ઉમેદવાર રાજ્યગુરુ ગુપ્તા (રહે. બેલાડીહ ગાવ, બિહાર ) હોવાની વિગતો સપાટી પર આવી હતી. પોલીસે રેલવેની પરિક્ષા આપવા આવેલા અસલી અને નકલી બંને ઉમેદવારની કોવિડ ટેસ્ટ કરાયા બાદ ધરપકડ કરવામાં આવી હતી.

પરિક્ષા આપવા માટે 645 ઉમેદવાર આવ્યા હતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રેલવેમાં નોકરી મેળવવા માટે 645 ઉમેદવારો પરિક્ષા આપવા માટે આવ્યા હતા. જેમાં ધોરણ-12 પાસ અસલી પરિક્ષાર્થી મનીષકુમાર શંભુપ્રસાદ ગ્રામે (રહે. ગનૈલી મૂંગર, બિહાર) રેલવેમાં નોકરી મેળવવા માટે ઓન લાઇન પરિક્ષા આપવાની હતી. આથી તેનાજ ગામમાં રહેતા અને પોતાના કરતા હોશિંયાર ધોરણ-12 પાસ રાજ્યગુરુ ગુપ્તા (રહે. બેલાડીહ ગાવ, બિહાર )ની મદદ લીધી હતી. પરિક્ષા પૂર્વે થતા ફિંગર પ્રિન્ટ વેરીફીકેશનમાં સફળ થવાય તે માટે અસલી પરિક્ષાર્થી મનિષકુમાર ગ્રામે પોતાનો અંગુઠો ધગધગતા તવા ઉપર મૂકી દીધો હતો. ધગધગતા તવા ઉપર અંગુઠો તપાવ્યા બાદ ફોલ્લો થઇ ગયા બાદ ફોલ્લો ફોડીને ચામડી ઉતારી હતી અને ચામડી પોતાના નામ ઉપર પરિક્ષા આપવા જનાર મિત્ર રાજ્યગુરુ ગુપ્તાના અંગુઠા ઉપર લગાડી દીધી હતી.

રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, રેલવેમાં મિત્રને નોકરી અપાવવા માટે મિત્રની ચામડી પોતાના અંગુઠા ઉપર લગાવી પરિક્ષા આપવા વડોદરા આવેલા બિહારી રાજ્યગુરુ ગુપ્તાએ અગાઉ કેટલા ઉમેદવારોની રેલવે અથવા તો અન્ય નોકરી માટેની પરિક્ષા આપી છે. તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ડમી પરિક્ષાર્થી રાજ્યગુરુના અંગુઠા ઉપરથી ઉતારી લેવામાં આવેલી ચામડીને એફ.એસ.એલ.માં તપાસ માટે મોકલવામાં આવશે. હાલ ભેજાબાજ ડમી ઉમેદવાર રાજ્યગુરુ ગુપ્તા અને અસલી પરિક્ષાર્થી મનિષકુમાર ગ્રામ પાસેથી અન્ય વિગતો મેળવવા માટે તેઓના રિમાન્ડ મેળવવાની હાથ ધરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top