વડાપ્રધાન મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદ એરપોર્ટ પાસે ગુજસેલમાં લગભગ બે કલાક સુધી અધિકારીઓ અને મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કે. કેલાસનાથન અને મુખ્યમંત્રી જ હતા. ત્યારે હવે તેમની મુલાકાત બાદ સરકારે રાજ્યમાં થઈ રહેલાં આંદોલનો સમેટવા માટે પાંચ મંત્રીની કમિટી રચી છે. એ ઉપરાંત વડાપ્રધાને આ પાંચ સંકટમોચનને રાજ્યમાંથી આંદોલનોનો ઝડપી ઉકેલ લાવવા માટે પણ નિર્દેશ આપી દીધા છે. સરકારને હવે આગામી ચૂંટણીમાં આંદોલનોથી કોઈ અસર થાય એ પોસાય એમ નથી. માટે વડાપ્રધાને આ પાંચ જણને બને એટલા ઝડપથી આંદોલનોનો ઉકેલ લાવવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યો છે.
કમિટીની એક બેઠક પૂર્ણ
સરકાર નિયુક્ત કમિટીની ગત સપ્તાહે એક બેઠક મળી ચૂકી છે તેમજ કર્મચારીઓના લગતાવળગતા તમામ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી છે. વહેલીમાં વહેલી તકે કર્મચારીઓના પ્રશ્નનો નિકાલ આવે એ રીતનું આયોજન પણ કમિટી દ્વારા કરવામાં આવશે એ હેતુસર આ કમિટી નક્કી કરાઈ છે ત્યારે કર્મચારીઓના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવે છે કે કેમ એ સવાલ છે. ના માત્ર સરકારી કર્મચારીઓ, પરંતુ અનેક એવાં સામાજિક સંગઠનો પણ છે, જે પણ સરકારની સામે પડ્યું છે તેમજ વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષને નુક્સાન પહોંચાડી શકે એવી સંભાવના છે ત્યારે ચૂંટણી અગાઉ સરકારે આગમચેતીના ભાગ રૂપ પ્રયાસ કર્યો છે.
નારાજ કર્મચારીઓને મનાવવા કામગીરી થશે
રાજ્યના કર્મચારીઓની પડતર માગોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે પાંચ મંત્રીની કમિટી બનાવી છે. કમિટીમાં રાજ્ય સરકારના મંત્રી જિતુ વાઘાણી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા બ્રિજેશ મિર્ઝાને આ કમિટીમાં સમાવાયા છે. આ સભ્યો રાજ્ય સરકારનાં કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરીને તમામ આંદોલનોને ઠારવાનો પ્રયત્ન કરશે. આ તમામ સંગઠનો આંદોલનરૂપે પોતાની માગણીઓ રજૂ કરી રહ્યાં છે. આ ઉપરાંત અનેક કર્મચારી સંગઠનોએ વિધાનસભામાં ભાજપવિરોધી મતદાન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે કર્મચારીઓમાં ફેલાયેલી એન્ટી ઇન્કમબન્સીને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કમિટીની રચના કરવામાં આવી છે.
અગાઉ નરેન્દ્ર મોદી અને રૂપાણીએ પણ કમિટી બનાવી હતી
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીની સરકારમાં સરકારી કર્મચારીઓના વિરોધ બાબતે એક પ્લેટફોર્મ કર્મચારીઓને મળતું હતું, પરંતુ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આવું કોઈપણ પ્રકારનું પ્લેટફોર્મ ન હતું, જેથી સરકારે તાત્કાલિક ધોરણે એક કમિટીની રચના કરીને કર્મચારીઓને રજૂઆત કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જે અંતર્ગત રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા પાડવામાં આવેલી હડતાલો, ચીમકી અને માગ બાબતે ચર્ચા કરાશે.

.png)