દિલ્હી પોલીસે કોંગ્રેસ કાર્યાલયની બહાર નાકાબંધી કરી દીધી છે
નેશનલ હેરાલ્ડ કેસમાં આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ED દ્વારા પૂછપરછ શરૂ થઈ ગઈ છે.સવારથી જ કોંગ્રેસના કાર્યકરો EDની પૂછપરછ બાબતે વિરોધ કરી રહ્યા છે. આ પહેલાં પણ EDએ સોનિયા ગાંધીને સમન્સ મોકલ્યા હતા, પરંતુ ખરાબ તબિયતને ટાંકીને તેમણે ED પાસે સમય માગ્યો હતો. EDની નોટિસ પર સોનિયા ગાંધીએ અગાઉ 8 જૂન, 11 જૂને અને 23 જૂને હાજર થયા ન હતા. કોંગ્રેસે ખરાબ તબિયતને ટાંકીને પૂછપરછ મોકૂફ રાખવાની માંગ કરી હતી.
અપડેટ્સ:
નેશનલ હેરાલ્ડ કેસમાં આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ED દ્વારા પૂછપરછ ચાલી રહી છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે સરકારને તેના વર્તનથી શરમ આવવી જોઈએ. ED સોનિયાજીના ઘરે જઈને પણ તેમનું નિવેદન લઈ શકતી હતી, જેમ કે પહેલા થયું છે. પરંતુ સરકારના કાયદા વિપક્ષ માટે બદલાઈ જાય છે.
કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું કે આ અન્યાય થઈ રહ્યો છે અને અન્યાયની કોઈ રાજનીતિ થવી જોઈએ નહીં.
કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કહ્યું- 'ભાજપ મોદીજીને કેટલા બચાવે છે. જ્યારે ભાજપ મોદીજી માટે આ કરી શકે છે, તો અમે સોનિયા ગાંધી માટે ન કરી શકીએ. મોદીજી 8-10 વર્ષથી દેશમાં જોવા મળી રહ્યા છે, જ્યારે સોનિયા ગાંધીનો પરિવાર વર્ષોથી આ દેશની સેવા કરી રહ્યો છે.
વિપક્ષે કહ્યું- સરકાર જાણીજોઈને પાર્ટીઓના મોટા નેતાઓને નિશાન બનાવી રહી છે. મોદી સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. વિપક્ષ સરકાર સામેની લડાઈને વધુ ઉગ્ર બનાવશે.
નેશનલ હેરાલ્ડ કેસમાં ED પહેલાં જ કોંગ્રેસનેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરી ચૂકી છે. EDએ તેમની લગભગ 40 કલાક સુધી પૂછપરછ કરી હતી. હવે સોનિયા ગાંધી હાજર થશે. આવું પહેલીવાર બની રહ્યું છે, જ્યારે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ તપાસમાં સામેલ થવા માટે હાજર થવું પડી રહ્યું છે.
રાહુલ-પ્રિયંકા સાથે ED ઓફિસ પણ જશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ તેમની માતા સાથે EDની ઓફિસ જશે. જ્યારે કોંગ્રેસે આ મુદ્દે પ્રદર્શન કરશે. કોંગ્રેસે રાજસ્થાન અને છત્તીસગઢ બંને રાજ્યના મુખ્યમંત્રીઓ અને તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખો અને CLPને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
પાર્ટીએ પ્રદર્શન માટે દરેકની જવાબદારી નક્કી કરી છે. આ વિરોધપ્રદર્શન સંસદ અને રસ્તા પર બંને જગ્યાએ થશે. આ તરફ સંસદ સત્ર પણ શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં સુરક્ષાના કારણસર દિલ્હી પોલીસે પણ તૈયારીઓ કરી લીધી છે.
દિલ્હી પોલીસે કોંગ્રેસ કાર્યાલયની બહાર નાકાબંધી કરી છે
વિરોધને જોતાં દિલ્હી પોલીસે કોંગ્રેસ કાર્યાલયની બહાર સંપૂર્ણ રીતે નાકાબંધી કરી દીધી છે. ઓફિસના બંને ગેટ પર ભારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસની સાથે રિઝર્વ ફોર્સ પણ રાખવામાં આવી છે.
EDના અધિકારીઓ 50 સવાલની યાદી સાથે પૂછપરછ કરશે
જો EDનાં સૂત્રોનું માનીએ તો એજન્સીએ બે આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ અને એક મહિલા આસિસ્ટન્ટને સોનિયા ગાંધીની પૂછપરછ કરવા ડ્યૂટી લગાવી છે. EDએ સોનિયાની પૂછપરછ માટે 50થી વધુ સવાલોની યાદી તૈયાર કરી છે.
રાહુલ ગાંધીની પૂછપરછમાં બહાર આવેલી બાબતોને પણ EDએ પોતાના સવાલમાં સામેલ કરી છે. EDના અધિકારીઓ સોનિયા ગાંધીને તેમની સાથે વકીલ લાવવાની મંજૂરી આપશે કે કેમ એ બાબતની પુષ્ટિ થઈ નથી.


.png)