સોનગઢ તાલુકાના ચાકળીયા ગામે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં એક શિક્ષિકા બહેનની બદલીના મુદ્દે વાલીઓ દ્વારા બાળકોના શિક્ષણ બહિષ્કાર કરવામાં આવતાં શાળામાં માત્ર શિક્ષકો જ જોવા મળ્યાં હતાં. ચાકળીયા પ્રાથમિક શાળામાં 160 કરતાં વધુ બાળકો અભ્યાસ કરે છે. થોડા માસ પહેલા શાળાના શિક્ષિકા શીલાબહેન ઝાડ અને આચાર્ય સુધાકરભાઈ ગામીત વચ્ચે શાળાના વહીવટ બાબતે માથાકૂટ થતાં શીલાબહેને સોનગઢ પોલીસ મથકે સુધાકરભાઈ ગામીત સામે ફરિયાદ નોંધાવી હતી.
તે સમયથી શાળાનું વાતાવરણ બગડ્યું છે. વાલીઓ આચાર્યની સાથે હોય એઓ શીલાબહેનની બદલી કરવાની માગ કરી રહ્યા છે. ગત ટર્મમાં ધોરણ 1 અને 2ના બાળકોને શિક્ષિકા દ્વારા પ્રગતિ પત્રક આપ્યું નથી તાલુકા શિક્ષણ અધિકારી અને સોનગઢ પીઆઇ દોડી આવ્યા હતા અને વાલીઓના પ્રશ્નનો ચાર દિવસમાં નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.
જો કે ચાર દિવસ વીતી ગયા બાદ પણ શિક્ષિકા તરફથી બાળકોને પ્રગતિ પત્રક આપવામાં નથી આવ્યાં કે વાલીઓ ની માંગણી પ્રમાણે શિક્ષિકા બહેન ની બદલી કરવા અંગે પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં વાલીઓ રોષે ભરાયા હતા.શનિવારે ગ્રામજનો એ ભેગા થઈ શાળામાં બાળકોનેે ન મોકલી શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. વાલીઓના જણાવ્યાં પ્રમાણે શિક્ષિકા બહેનને કારણે શાળાનું વાતાવરણ બગડ્યું છે જેથી એમની જ્યાં સુધી બદલી ન થાય ત્યાં સુધી અમે બાળકોને શાળાએ મોકલવા નથી.

