આ કૃત્ય કરનાર ચાર સામે પોલીસમાં ગુનો દાખલ કરાયો
ઉકાઈ ડેમ વિસ્તારમાં આવેલી સલામતી દીવાલમાં બાંકોરું પાડી ગાય ભેંસ જેવા ઢોર ચરાવવા ગયેલા ચાર ઇસમો સામે ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉકાઈ ડેમના મુખ્ય પ્રવેશ માર્ગ ગણાતાં ગેટ નંબર 2 ની સામે માલધારીઓની વસાહત આવેલી છે. જે લાલ ટેકરી તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં વસવાટ કરતા માલધારી સમાજના ભાઈઓ પોતાના ગાય ભેંસ જેવા પાલતુ પશુ ડેમ નજીક આવેલી સલામતી દીવાલની અંદર આવેલી ખુલ્લી જગ્યામાં કાયમી રીતે ચરાવતા હોય છે. જેથી સલામતી માટે ગંભીર ખતરો પણ ઉભો થતો હોય છે.
તાજેતરમાં રાઉન્ડ પર નીકળેલા ડેમના સલામતી રક્ષકોને ડેમ નજીકની પાકી દીવાલમાં એક મોટું બાંકોરું જોવા મળ્યું હતું. તપાસ દરમિયાન લાલ ટેકરી ખાતે રહેતાં કમલેશભાઇ પોસલાભાઇ, ગોબર ઉર્ફે સુરાભાઇ ચાવડા, બાથાભાઇ મીર અને રામાભાઇ મીર તમામ રહે.લાલ ટેકરી ઉકાઈએ આ દીવાલમાં ગેરકાયદે બાકોરું પાડી દઈ તેમાંથી ડેમ વિસ્તારમાં ગાય અને ભેંસો સાથે ગેરકાયદે પ્રવેશ કરી ઢોરોને ચરાવતા હોવાનું બહાર આવ્યું હતું.
આ સંદર્ભે ડેમના ઈજનેર પ્રતાપસિંહ વસાવાએ ચાર આરોપીઓ સામે ડેમની દીવાલને તોડી સરકારી સંપત્તિ ને રૂપિયા 1500 નું નુકશાન કરવા સંદર્ભે ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.


.png)