RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ તાજેતરમાં બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા શબ્દો દૂર કરવાની વાત કરી હતી. હોસબોલેના આ નિવેદન બાદ દેશમાં રાજકીય ખળભળાટ વધ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, જો બંધારણના કોઈપણ શબ્દને પણ અડ્યા છો તો કોંગ્રેસ તેનો સખત વિરોધ કરશે અને છેલ્લા શ્વાસ સુધી લડશે.
હોસબોલેને મનુસ્મૃતિના સમર્થક ગણાવ્યાં
બેંગલુરુમાં પત્રકારો સાથે વાત કરતી વખતે મલ્લિકાર્જુન ખડગેએ હોસબોલેને મનુસ્મૃતિના સમર્થક ગણાવ્યા હતાં. તેમણે કહ્યું કે તેઓ ગરીબો અને નબળા વર્ગોને આગળ વધવા દેવા માંગતા નથી. તેઓ હજારો વર્ષ જૂની વ્યવસ્થા જાળવી રાખવા માંગે છે. એટલા માટે તેમને સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને બંધારણના મુખ્ય સિદ્ધાંતો પસંદ નથી. આ ફક્ત હોસબોલેના વિચાર નથી, પરંતુ સમગ્ર RSSની વિચારધારા છે.
દત્તાત્રેય હોસબોલેએ તાજેતરના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે બંધારણના મૂળ પ્રસ્તાવનામાં આ શબ્દો મૂક્યા નહોતા. આ શબ્દો કટોકટી દરમિયાન ઉમેરવામાં આવ્યા હતા, જ્યારે દેશમાં મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવ્યા હતા અને સંસદ કાર્યરત ન હતી. જેથી આ શબ્દોને પ્રસ્તાવનામાં રાખવા જોઈએ કે નહીં તે અંગે ફરીથી ચર્ચા થવી જોઈએ.
ખડગેએ સમગ્ર RSSને વંચિત સમુદાયોની વિરુદ્ધમાં ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે RSS ગરીબો, દલિતો, પછાત વર્ગો અને અન્ય વંચિત સમુદાયોની વિરુદ્ધમાં છે. જો તેઓ ખરેખર હિન્દુ ધર્મના રક્ષક છે, તો પહેલાં અસ્પૃશ્યતા જેવી દુષ્ટતાઓ દૂર કરે. RSS પાસે ઘણા બધા સંસાધનો અને સભ્યો છે, તેમણે અસ્પૃશ્યતાને દૂર કરવા માટે કામ કરવું જોઈએ, ફક્ત વાર્તાઓ બનાવીને દેશમાં ભ્રમ ફેલાવવો જોઈએ નહીં.
રાજ્યસભામાં વિપક્ષ નેતાએ કહ્યું કે દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને એકતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આથી હું RSSને અપીલ કરૂ છું કે તેઓ ફક્ત નિવેદનો જ નહીં પણ કામ પર પણ ધ્યાન આપે. અમે બંધારણના કોઈપણ શબ્દ સાથે છેડછાડ કરવા દઈશું નહીં. તે આપણા દેશનો આત્મા છે અને અમે તેને બચાવવા માટે અમારી તમામ શક્તિ સાથે લડીશું.
નોંધનીય છે કે ખડગેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં બંધારણની પ્રસ્તાવના અને તેના શબ્દો અંગે રાજકીય ચર્ચા તીવ્ર બની રહી છે. આવી સ્થિતિમાં, કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તે બંધારણના મૂળભૂત સિદ્ધાંતોનું રક્ષણ કરવા માટે હંમેશા ખડેપગે તૈયાર રહેશે, બંધારણની મદદથી જ ભારત એક મજબૂત અને સમાવેશી લોકશાહી બન્યું છે.