- ટોલ ટેક્સમાંથી મુક્તિ મેળવવા માટે સ્થાનિકોએ ધૂલિયા હાઈવે પર ચક્કાજામ કર્યો
- આંદોલન કરી રહેલાં સ્થાનિકોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી
- કલેક્ટર દ્વારા પ્રોજેક્ટ ડાયરેક્ટર અને માંડલ ટોલ પ્લાઝાના મેનેજરને નોટિસ ફટકારવામાં આવી
તાપી જિલ્લાના સ્થાનિક આગેવાનો દ્વારા સુરત ધૂલિયા હાઈવે પર આવેલા ટોલનાકામાં ટેક્સમાંથી મુક્તિ મેળવવા માટે આંદોલન કર્યું હતું. સુરત ધૂલિયા હાઈવે પર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના માંડળ ગામ પાસે આવેલા ટોલનાકા ખાતે આજે બુધવારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ટોલ ટેક્સમાંથી મુક્તિ મેળવવા માટે સ્થાનિકોએ ધૂલિયા હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. આંદોલન કરી રહેલાં સ્થાનિકોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
સુરત ધૂલિયા હાઈવે પરના તાપીના માંડળ ગામ ખાતે આવેલાં ટોલનાકામાં ટેક્સમાંથી મુક્તિ મેળવવા વ્યારા અને સોનગઢ ના સ્થાનિકો દ્વારા આંદોલન કર્યું હતું. આજે બુધવારના સવારે 10 વાગ્યાથી સ્થાનિકોએ આંદોલન શરૂ કર્યું હતું. 'આ ટોલનાકા પરથી મોટાભાગે સ્થાનિકો અવર-જવર કરતા હોય છે અને તેઓ ત્યાના હોવા છતાં ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. માટે ટોલનાકા પર લેવામાં આવતા સ્થાનિકોના ટેક્સમાં મુક્તિ આપવામાં આવે.'
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ મામલે અગાઉ પણ આંદોલન કરાયું હતું. ત્યારે તંત્ર દ્વારા થોડા સમયમાં સ્થાનિકોને ટોલ ટેક્સમાં રાહત આપી હતી. જો કે, ત્યારબાદ સ્થિતિ જેવી હતી તેવી થઈ ગઈ હતી. આ ટોલનાકા પર સોનગઢ અને વ્યારા તાલુકાના 20થી ગામડાંના ખેડૂતો સહિતના અનેક લોકોની અવર-જવર વધુ રહેશે.
કલેક્ટર દ્વારા નોટિસ ફટકારવામાં આવી
હાઈવે પર સ્થાનિકોના આંદોલનને પગલે ટ્રાફિકજામ સર્જાતા પોલીસ દ્વારા લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી. જ્યારે સમગ્ર મામલે તાપી જિલ્લા કલેક્ટર દ્વારા પ્રોજેક્ટ ડાયરેક્ટર અને માંડલ ટોલ પ્લાઝાના મેનેજરને નોટિસ ફટકારવામાં આવી હતી.