- સ્થાનિક વાહનો ને ટોલ ફી માંથી મુક્તિ મળવી જોઈએ ની ચર્ચાઓ થઇ
- અમુક સરકારી અધિકારીઓ અને પોલીસ સ્ટાફના વાહનો ટોલ ફી વિના પસાર થાય છે
- ટોલનાકા સંચાલકો સામે ઉગ્ર આંદોલન કરવું પડશે તો જ આ પ્રશ્નનો નિકાલ આવી શકે
તાપી જિલ્લાના સોનગઢના માંડળ ગામે આવેલ નેશનલ હાઇવે નંબર-56 પર માંડલ ટોલ પર સ્થાનિક લોકો પાસેથી ટોલ વસૂલ કરવામાં આવે છે. અને સ્થાનિકો માટે ટોલ ફ્રી કરવા અનેક વાર રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યું છે. અગાઉ પણ માંડળ ટોલ પર આંદોલન કરવામાં આવ્યા હતા ત્યારે માંડળ ટોલનાકા ના સંચાલકો દ્વારા ટોલ ફ્રી ની મૌખિક બાંહેધરી આપી હતી અને ત્યાર પછી ફરી સ્થાનિકો પાસે ટોલ વસુલવાનો ચાલુ કરી દીધો હતો
સોમવારના રોજ વ્યારા અને સોનગઢના સ્થાનિક વાહન માલિકોની બેઠક મળી હતી અને તેમાં સ્થાનિક વાહનો ને ટોલ ફી માંથી મુક્તિ મળવી જોઈએ ની ચર્ચાઓ થઇ હતી. અને સ્થાનિક આગેવાન દિલીપભાઈ ગામીતે કહ્યું કે ટોલનાકા પરથી અમુક સરકારી અધિકારીઓ અને પોલીસ સ્ટાફના વાહનો ટોલ ફી વિના પસાર થાય છે એવી વાત સાંભળવા મળી છે તેની તપાસ થવી જોઈએ. સ્થાનિક લોકો પાસે માંડળ ટોલનાકા ના સંચાલકો ખોટી રીતે ટોલ ફી ઉઘરાવે છે એ તાકીદે બંધ કરવાની જરૂર છે. અને સ્થાનિક લોકોએ કહ્યું કે ટોલનાકા સંચાલકો સામે ઉગ્ર આંદોલન કરવું પડશે તો જ આ પ્રશ્નનો નિકાલ આવી શકે. માંડળ ટોલનાકા પર ભારતમાં સૌથી વધુ ટોલ ફી વસુલવામાં આવી રહી છે એની સામે સુવિધા મળતી નથી. એ સાથે જ ભેગા થયેલા લોકો દ્વારા વિવિધ મુદ્દાઓ સાથેનો એક લેખિત પત્ર તૈયાર કરવામાં આવ્યો હતો જેની પર સભ્યોની સહિ લેવામાં આવી હતી અને આ પત્ર સરકારમાં અને ઠેઠ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડવાની તૈયારી થઈ હતી.