તાપી જિલ્લાના કુકરમુંડા નજીક ફુલવાડી ચોકડીથી અક્કલકુવા જતા રોડ ઉપર મહારાષ્ટ્રનાં મોગલબારા વિસ્તારમાં ગુજરાત સરકારની જીએસટીની બોલેરો જીપ અચાનક આગમાં લપેટાયા બાદ તમામ સરકારી દસ્તાવેજો સાથે ગાડીનાં તમામ અસ્થિપિંજરો બળીને રાખ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના શંકાનાં દાયરામાં જોવા મળી રહી છે. સર્વપ્રથમ તો ગુજરાતનું વાહન મહારાષ્ટ્રમાં પહોંચ્યુ કેવી રીતે? આગની ઘટના બાદ અધિકારીઓ ગાડીમાંથી સરકારી કાગળો અને લેપટોપ જેવી સાધન સામગ્રી પણ બહાર કાઢી ન હોય ત્યારે આગ લાગી કે પછી સરકારી દસ્તાવેજો નાશ કરવા આગનો આ ખતરનાક ખેલ ખેલાયો જેવા અનેક તર્ક વિતર્કો ફરજપરનાં તમામ સરકારી બાબુ સામે આંગળી ચીંધી રહ્યા છે.
તાપી જિલ્લા સહિત તેની આસપાસનાં ગુજરાતનાં હદ્દ વિસ્તારમાં જીએસટીની ચોરી કરતાં વાહનોનાં ૨૪ કલાક ચેકિંગ માટે તૈનાત કરાયેલ જીએસટીની સોનગઢ મોબાઇલ સ્ક્વોડની બોલેરો (નં. જીજે 01 જીએ 4010 ) તા.28/4/24નાં રોજ રાત્રીનાં 8 વાગ્યાનાં અરસામાં ગુજરાતની હદ છોડી મહારાષ્ટ્ર રાજ્યમાં નંદુરબાર જિલ્લાનાં તલોદાનાં મોગલબારા ગામે દોડતુ જોવા મળ્યુ હતુ. જીએસટીનાં અધિકારીઓની લાલિયાવાડી પોલ તો ત્યારે ખુલી જ્યારે આ વાહનમાં આગની ઘટના મહારાષ્ટ્રનાં તલોદા ખાતે બની, જીએસટીનાં ફરજપરનાં સીટીઓ દિનેશકુમાર કે. ઠાકોરે જણાવ્યું હતું કે, ચાલુ ગાડીએ સર્વપ્રથમ પાછળની સાઇડેથી ધુમાડો નિકળતો જોવા મળ્યો હતો. જેથી ડ્રાઇવરે ગાડી ઉભી રાખતા જ અમે પોતાનો જીવ બચાવતા બહાર નિકળી આવ્યા હતા. આ ધુમાડો નિકળ્યો તે વેળાએ ડ્રાઇવર સહિત કુલ ચાર જણા ગાડીમાં સવાર હતા. ગાડી તો બળીને ભસ્મીભુત થઈ હતી.


.png)