દિલ્હી લિકર પૉલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે (10 મે) કેજરીવાલને 1 જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. આ સાથે સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને કહ્યું હતું કે, 'તેઓ આગામી 2 જૂને આત્મસમર્પણ કરી દે.' જસ્ટિસ ખન્નાએ તેમને જામીન આપવાનો ચુકાદો સંભળાવ્યો હતો. ત્યારે હવે કેજરીવાલ જેલથી બહાર આવ્યા છે.
કેજરીવાલ જેલથી બહાર આવ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલથી બહાર આવી ચૂક્યા છે. મળતી માહિતી અનુસાર, તેઓ તિહાર જેલથી પોતાના ઘરે જવા માટે રવાના થયા. ગાડીમાં તેમની સાથે આમ આદમી પાર્ટીના મહાસચિવ સંદીપ પાઠક પણ હાજર છે. તો તેમના પત્ની સુનીતા કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તિહાર પહોંચ્યા હતા.
સુપ્રીમ કોર્ટનો આભાર, કાલે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીશું : કેજરીવાલ
તિહાર જેલથી મુક્ત થયા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો આભાર. આપ સૌનો આભાર. કરોડો લોકોનો આભાર. તમારી વચ્ચે આવીને ખુબ સારું લાગી રહ્યું છે. દેશને તાનાશાહીથી બચાવવાનો છે. તાનાશાહી વિરૂદ્ધ સંઘર્ષ છે. કાલે 1 વાગ્યે આપ ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરીશું. કાલે 11 વાગ્યે હનુમાન મંદિર, CPમાં મળીશું. વધુમાં વધુ લોકો હનુમાન મંદિર આવશે.



.png)